Western Times News

Gujarati News

મોડાસા ડેપો નજીક ખાનગી વાહનને હટાવી દેવાનું કહેતાં ST ડ્રાઈવર સાથે અથડામણ

અડધો કલાક મગજમારી પછી ડેપો મેનેજરની સમજાવટથી મામલો થાળે પડ્યો

મોડાસા ખાતે નવીન એસટી ડેપો નિર્માણાધિન છે ત્યારે હંગામી વ્યવસ્થાના ભાગ રૂપે મેઘરજ રોડ ઉપર સહકારી જીન ખાતે એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ડેપોમાંથી બસો બહાર નિકળે તે સમયે મેઘરજ રોડ ઉપર ખાનગી વાહનોનો ભારે ત્રાસ રહેતો હોય છે.

માર્ગની વચોવચ પેસેન્જરોને લેવા માટે ખાનગી વાહનચાલકો અડીંગો જમાવી દેતાં હોય છે. સોમવારના રોજ આવા જ એક વાહનચાલકે પોતાનું ખાનગી વાહન રસ્તાની વચ્ચે રાખ્યું હતું જેને એસટી ડ્રાઈવરે હટાવી દેવાનું કહેતાં તેણે બબાલ કરી હતી. અડધો કલાક ચાલેલી મગજમારીમાં ડેપો મેનેજરની દરમિયાનગીરીથી મામલો શાંત થયો હતો.

મોડાસા ચાર રસ્તા અને હંગામી બસ ડેપો આગળ ખાનગી વાહનચાલકોનો અડિંગો જામેલો હોય છે. ચાર રસ્તાથી અનેક ઠેકાણે પહોંચાડવા માટે જીપ તેમજ અન્ય વાહનો ખીચોખીચ ભરીને લઈ જવાતી હોય છે. ચાર રસ્તા ખાતે તો પોલીસના નાક નીચેથી વાહનો બેખૌફ બનીને ભરી દેવાતાં હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ બસ ડેપોની બહાર એક ખાનગી વાહન ચાલકે પોતાનું વાહન રસ્તામાં મુકી દઈ બિન્દાસ્ત ઉભો રહ્યો હતો. ત્યારે ડેપોમાંથી બસ બહાર આવવા છતાં તેણે પોતાનું વાહન હટાવ્યું ન હતું.

જેને પગલે બસ ડ્રાઈવરે વાહન હટાવવા માટે કહ્યું પરંતુ તેણે વાહન ન હટાવતાં વાત વણસી અને બોલાચાલીમાં પરિવર્તીત થઈ હતી. અડધો કલાક સુધી આ બબાલ ચાલી હતી જો કે કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે ખાનગી વાહનચાલકે એસટી બસના ડ્રાઈવરને લાફો પણ ઝીંકી દીધો હતો પરંતુ આ અંગે મોડાસા એસટી ડેપો મેનેજર એસ.આઈ.પ્રજાપતિ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ડ્રાઈવરને લાફો મારવામાં આવ્યો નહોતો જો લાફો માર્યો હોત તો અમે પોલીસ ફરિયાદ કરત. પરંતુ ડેપો મેનેજરે દરમિયાનગીરી કરી સમગ્ર બબાલ શાંત કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.