ભરૂચના પૂર અસરગ્રસ્ત ગામોએ આપ્યું કલેકટરને સામુહિક આવેદનપત્ર
ભરૂચમાં ૧૮ લાખ ક્યુસેકના પુર સામે ૧૭ માંગોની ભરમાર કરતુ આવેદનપત્ર પાઠવાયું
(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં હાલમાં પુરની સ્થિતિ માટે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી સાગમટે ૧૮ લાખ ક્યુસેક પાણી છોડી દેવાનું કારણ જવાબદાર છે. આ કેફિયત સાથે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્તો, વિવિધ સમાજે પાસેથી ૫૦૦૦ કરોડની ડિપોઝીટ વળતર રૂપે વસૂલવા રજુઆત કરી છે.
નર્મદા નદીમાં આવેલા પુરને લીધે સ્થળાંતર કરવામાં આવેલા લોકો અને અસરગ્રસ્તોને દૈનિક વળતર અને પૂરે પુરી નુકશાની ચૂકવવા ભરૂચ કલેકટરને સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ, સ્થાનિક લોક અધિકાર મંચ સહિત અસરગ્રસ્તોએ રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે, નર્મદા નદીમાં હાલ પુરની સ્થિતિ એકસાથે મોટી માત્રામાં પાણી છોડી દેવાને લીધે સર્જાઈ છે. સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમમાં આવેલા વડોદરા,
નર્મદા અને ભરૂચ જિલ્લાના ઘણાં બધાં ગામોમાં તથા શહેરી વિસ્તારોમાં પુરના પાણી ખેતરોમાં, ગામની સીમમાં, પાલતુ પશુઓના તબેલાઓમાં તથા લોકોના રહેણાંકના ઘરોમાં પ્રવેશી ગયેલા છે. તેને લીધે વહીવટીતંત્ર દ્વારા આ પુર પ્રભાવિત વિસ્તારના લોકોની સાથે સાથે પાલતુ પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવેલું છે.
સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી નર્મદા નદીમાં આવેલા પુરને લીધે વહીવટીતંત્ર લોકોનું સ્થળાંતર કરવાને કારણે સ્થળાંતરિત કરવામાં આવેલા લોકોનું ઘરવખરી અને ખેતીના નુકશાનની સાથે સાથે રોજિંદી આવક રોજગારી પણ ગુમાવવી પડી છે. વળી પશુપાલકોની સાથે સાથે માછીમારોને પણ આ પુર દરમ્યાનમાં માછીમારી ગુમાવવી પડી છે અને આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.
ભૂતકાળમાં આવી ઘણી ભૂલો થયેલી હોવા છતાં, વારંવાર આવી માનવસર્જિત ભૂલો કરવામાં આવી રહી છે, કોઈ શીખ લેવામાં આવી રહી નથી અને વર્ષો વર્ષ એક-બે વર્ષના અંતરે નિયમિતપણે ડાઉન્સ્ટ્રીમના લોકોનું ખૂબ મોટી માત્રામાં આ પુરના પાણીથી અવારનવાર મોટું નુકશાન કરવામાં આવી રહેલું છે. જેથી કરીને સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમના અસરગ્રસ્ત લોકો માટે વળતરની માંગ કરાઈ છે.
પુરના પાણી થી સ્થળાંતરિત કરવામાં આવેલા તમામ પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ? ૫,૦૦૦ સ્થળાંતર ભથ્થું આપવામાં આવે,દરેક પશુના મૃત્યુ દીઠ પશુપાલકોને ? ૭૦૦૦૦ વળતર આપવામાં આવે,પુરના પાણીથી ખેડૂતોની ખેતીને થયેલ નુકશાનીનું એક વિઘાનું ? ૨૫૦,૦૦૦ વળતર આપવામાં આવે,
પુરના પાણીને કારણે માછીમારોને પોતાની ફિશિંગ બોટ લાંગરવી પડતી હોય અને પગડિયા માછીમારોનું ફિશિંગ થઈ શકતું ના હોય,દરેક માછીમારને દૈનિક ? ૧૦,૦૦૦ નું વળતર આપવામાં આવે,દુકાનદારોને ?૪ લાખનું વળતર અપાઈ,ઘર અને ઘરવખરીના નુકશાનીમાં સર્વે કરી પૂરેપૂરું વળતર અપાઈ,જિલ્લાના આલિયાબેટ, તવરા, ગોવાલી, સર્ફઉદ્દીન, કબીરવડ, ધંતુરિયા બેટ પર પશુઓનું શું થયું તેની તપાસ કરાઈ તેવી માંગ કરવામાં આવી હતી.