ક્રાઈમ બ્રાંચે 9.35 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે યુવકની ધરપકડ કરી
ક્રેડિટ પર ગાંજાે મેળવીને ઓનલાઈન પેમેન્ટ કરનાર હાઈટેક ડ્રગ્સ માફિયા-યુવકે સાસરીમાં જઈ ગાંજાનો જથ્થો ખરીદ્યો
અમદાવાદ, ડ્રગ્સ માફિયા પણ હવે હાઈટેક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે ક્રાઈમ બ્રાંચે ગઈ કાલે ગાંજાના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે. જે ક્રેડિટ ઉપર ગંજાે લાવ્યો હતો અને જેમ જેમ તેનું વિતરણ થાય તેમ તેમ પેમેન્ટ ફોન પે કે ગૂગલ પે મારફતે ચૂકવી આપવાનું હતું.
અમદાવાદના યુવાઓ ડ્રગ્સના રવાડે ચઢ્યા છે ત્યારે ડ્રગ્સ માફિયાઓને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફાવતુ મળી ગયું છે. બિલાડીના ટોપની જેમ શહેરમાં એમડી ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ કરતા પેડલર્સની આખી ફોજ છે. જેમને પકડવા માટે પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે.
ગઈકાલે ક્રાઈમ બ્રાંચની ટીમે એડી ડ્રગ્સનો કારોબાર કરતા મગરમચ્છની ધરપકડ કર્યા બાદ ગાંજાનો એક ક્વોલિડી કેસ કર્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને પાકી બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાં આવેલા બી વોર્ડના મકાન નંબર ૪૦માં રહેતો બોબી બલરામ ઈન્દ્રેકરે પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવીને રાખ્યો છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તેના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાં પલંગ પાસેથી એક શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ ગાંજાે છે કે કોઈ બીજાે છે તે મામલે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પદાર્થનું પરિક્ષણ કર્યું હતું. મળી આવેલો પદાર્થ ગાંજાે હોવાનું સામે આવતાં અંતે ક્રાઈમ બ્રાંચની ટીમે બોબી ઈન્દ્રેકરની ધરપકડ કરી લીધી હતી.
બોબી ઈન્દ્રેકરની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેની સાસરી મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામં આવેલી છે. બે દિવસ પહેલાં બોબી સાસરીમાં ગયો હતો જ્યાં સિદ્ધુ તમંચેએ તેને ગાંજાનો જથ્થો આપ્યો હતો. બોબીને સિદ્ધુ ઓળખતો હોવાથી તેણે ક્રેડિટ પર ગાંજાનો જથ્થો આપ્યો હતો.
ગાંજાે આપ્યા બાદ બંનેએ ડીલ કરી હતી કે જેમ માલ વેચાશે તેમ તેમ પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવશે. બોબીને સિદ્ધુએ ક્રેડિટ પર ૯.૩૪૪ કિલોગ્રામ ગાંજાનો જથ્થો આપી દીધો હતો. ગાંજાે લઈને બોબી અમદાવાદ પહોંચ્યો ત્યાર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી હતી.
ક્રાઈમ બ્રાંચે હાલ બોબી તેમજ સિદ્ધિ વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બોબી ઘણા સમયથી ગાંજાનો ધંધો કરતો હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે.