Western Times News

Gujarati News

૩૬ કરોડના ખર્ચે 5 નગરપાલિકાઓને મળશે મોડલ ફાયર સ્ટેશન

પ્રતિકાત્મક

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પાંચ નગરપાલિકાઓ નવસારી, બારડોલી, રાજપીપળા લુણાવાડા અને ધોળકામાં નવા મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નગરપાલિકાઓમાં હવે જિલ્લાકક્ષાના મોડલ ફાયર સ્ટેશન સમગ્રતયા ૩૬.૧૨ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નિર્માણ થશે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આ પાંચ નગરપાલિકાઓની સામાન્ય સભામાં થયેલા ઠરાવના અનુસંધાને મોડલ ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્તો રજૂ કરી હતી.

આ દરખાસ્તો માં જણાવવામાં આવ્યું હતું કે, નવસારીમાં પાંચ હજાર ચોરસ મીટર જમીન પર ૭.૪૫ કરોડ, નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં ૫૫૦૦ ચો.મીટર વિસ્તારમાં ૭.૩૮ કરોડ રૂપિયાના ખર્ચે, લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં ૫૦૦૦ ચો.મીટરમાં ૭.૧૫ કરોડના ખર્ચે,

તેમજ બારડોલી નગરમાં ૬ હજાર ચો.મીટર વિસ્તારમાં ૭.૬૨ કરોડ રૂપિયાના ખર્ચે અને ધોળકામાં ૬૦૦૦ ચો.મીટરમાં ૬.૫૨ કરોડના ખર્ચે આ નવા મોડેલ ફાયર સ્ટેશન નિર્માણ કરવાના થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ નગરોમાં વધતા જતા ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લઈને આ બધી જ દરખાસ્તોને સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

આ નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન અંતર્ગત ફાયર પ્રોટેકશન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ વોટર ટેંક, એલીવેટેડ સ્ટોરેજ રિઝવર્યસ, ફાયર સ્ટેશનના કર્મચારીઓ માટે આવાસ તથા અદ્યતન સુવિધા સભર ફાયર સ્ટેશન બિલ્ડિંગના કામો હાથ ધરાશે.

રાજ્યની નગરપાલિકાઓમાં આવા મોડેલ ફાયર સ્ટેશન બનાવવાના શહેરી વિકાસ વિભાગના આયોજનના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૨-૨૩ના એક જ વર્ષમાં કુલ ૨૦ નગરપાલિકાઓમા મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.