માનતા પૂરી થતાં દંડવત પ્રણામ કરતા મા અંબાના ધામમાં પહોંચ્યા ડીસાના ભક્ત
(એજન્સી)અંબાજી, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજાે દિવસ છે. મેળાના પ્રથમ દિવસે ૨.૨૫ લાખયાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિરે પ્રથમ દિવસે મંદિરના શિખરે ૧૦૦ જેટલી ધજાઓ ચઢી હતી. તો અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું દોઢ લાખ જેટલા પેકેટ વેચાણ થયુ.
તો ચીકીના માત્ર ૬ હજાર પેકેટનું વિતરણ થયું. અંબાજી મંદિરમાં મેળાના પ્રથમ દિવસે કુલ દાન ભેટની આવક ૫૬.૩૮ લાખની થઈ છે. ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા દૂરદૂરથી ભક્તો માં અંબાના ધામમાં માંના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે
ત્યારે દૂરદૂરથી પગપાળા અંબાજી આવ્યા બાદ અનેક ભક્તો પોતાની માનેલી મનોકામના પુરી થતાં અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રમાણ કરતા પહોંચી રહ્યા છે દિવસો ચાલ્યા બાદ પણ અંબાજી મંદિરમાં સુતસુતા દંડવત પ્રમાણ કરીને આવતા ભક્તોને કોઈપણ પ્રકારનો થાક લાગતો નથી..
અને તેવો પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં દંડવત પ્રમાણ કરીને પહોંચીને માતાજીની આરાધના કરી તેમના તમામ દુઃખો હરિ લેવા પ્રાર્થના કરી રહ્યા છે. પોતાની માનતાઓ પુરી થતા અનેક ભક્તો દંડવત પ્રમાણ કરતા માતાના ધામમાં પહોંચી રહ્યા છે.
મા અંબાના ભક્ત દિલીપ માળીએ જણાવ્યું કે, હું ડીસાથી આવું છું..મારે બાળક ન હતું તેની માનતા માની હતી તે પૂર્ણ થતાં હું દંડવત રીતે માતાજીના ધામમાં પહોંચ્યા છું. તો અન્ય ભક્ત કમુબેન ડાંગીએ કહ્યું કે, હું અમદાવાદથી આવું છું મારી માનતા પૂર્ણ થતાં હું દંડવત કરતી અહીં પહોંચી છું.
સુરતના ઓલપાડથી ૧૩ દિવસ પગપાળા યાત્રા કરીને ૫૦ લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા અને ૧૩ દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી..૧૩ ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા અર્પણ કરશે.