શ્રીલંકાને હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો
હાંગઝોઉ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૧૯મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૫ સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ હાંગઝોઉ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૯ રને હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉમાં ચાલી રહેલી ૧૯મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ફાઈનલ એટલે કે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૧૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૧૬ રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ ૪૬ રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે ૪૨ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૯૭ રન બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ ૧૯ રને જીતી લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા ૧૫ બોલમાં નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિએ જેમિમા સાથે મળીને બીજી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી કરી હતી. રણવીરાએ આ ભાગીદારી તોડી હતી. તેણે મંધાનાને આઉટ કરી હતી.
મંધાનાએ ૪૫ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૬ રનની ઇનિંગ રમી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. તિતાસ સાધુએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચમારી અટાપટ્ટુ (૧૨), અનુષ્કા સંજીવની (૧) અને વિશ્મી ગુણરત્ને (૦)ને પેવેલિયનમાં મોકલ્યા હતા.
આ પછી હસિની પરેરા અને નિલાક્ષી ડી સિલ્વાએ ચોથી વિકેટ માટે ૩૬ રનની ભાગીદારી કરી હતી. પૂજાએ નિલાક્ષી (૨૩)ને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. રાજેશ્વરીએ હસીની (૨૫)ને આઉટ કરી હતી. દીપ્તિએ ઓશાદી રાણાસિંઘે (૧૯)ને આઉટ કરી તો દેવિકા વૈદ્યએ કવિશા દિલહારીને (૫) અને રાજેશ્વરીએ સુગંદિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાની આશાનો અંત લાવ્યો હતો. ભારત તરફથી તિતાસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરીને બે વિકેટ મળી હતી.