પેટલાદમાં સરકારી રેકર્ડ સાથે ચેડાં થયાની આશંકા : ચીફ ઓફિસર
પાલિકાની પરવાનગી સિવાય તોતીંગ બાંધકામ કરી દીધું-પેટલાદમાં સુલેમાન ટેકરી બાદ પોલ્ટ્રીને નોટીસ ફટકારતાં ચકચાર
રે.સ.નં.૪૮૪ ના ૯૦ ગુંઠા જમીન પર આનંદ પ્રમોદ ઝોનમાં હાલ પોલ્ટ્રીનું પરવાનગી સિવાય બાંધકામ થઈ રહ્યું છે.
પેટલાદના મલાવ તળાવની ચારેબાજુ નાના મોટા દબાણો કરી ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે પાલિકાએ લાલ આંખ કરી છે. એકાદ અઠવાડીયા અગાઉ પોલીસ કાફલા સાથે પાલિકાની ટીમ મલાવ તળાવ મધ્યે આવેલ સુલેમાન ટેકરી ખાતે ત્રાટકી હતી. ત્યારબાદ આ તળાવના બીજા કિનારે એક પોલ્ટ્રી ઉપર ટીમ પહોંચી હતી.
જ્યાં પરવાનગી વગર મોટાપાયે બાંધકામ થયેલ હોવાનું નજરે પડ્યું હતું. જેમાં પણ મલાવ તળાવની જમીન દબાણ થઈ હોવાની આશંકા પાલિકાને ગઈ હતી. જેથી સુલેમાન ટેકરી બાદ આ પોલ્ટ્રીના માલિકને પણ ગેરકાયદેસર બાંધકામ અંગેની નોટીસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
ઉપરાંત વર્ષો પહેલાં સરકારી રેકર્ડ સાથે ચેડાં થયા હોવાની શંકા ચીફ ઓફિસરે વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલે શહેરના ગેરકાયદેસર બાંધકામ કરનાર તથા દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.
પ્રાપ્ત માહિતી મુજબ મલાવ ભાગોળ વિસ્તારમાં મલાવ તળાવ આવેલ છે. આ તળાવના કિનારે રે.સ.નં.૪૮૪ વાળી જમીન આવેલ છે. આ જમીન ઉપર વાહીદઅલી ઝાહીદ અલી સૈયદે પોલ્ટ્રી બનાવવા બાંધકામ કર્યું હતું. જેના અનુસંધાનમાં નગરપાલિકાએ તા.૧૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ નોટીસ ફટકારી હતી.
જેમા જણાવ્યું હતું કે પાલિકાની પરવાનગી મેળવ્યા સિવાય બાંધકામ શરૂ કર્યું હોવાથી સ્થગીત કરવું. ઉપરાંત માલિકીના આધાર, પુરાવા રજૂ કરવા પણ જણાવ્યું હતું. જેથી વાહીદઅલી સૈયદે તા.૧૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ આ જ રે.સ.નં.૪૮૪ ના ૯૦ ગુંઠા જમીન ઉપર પોલ્ટ્રી બનાવવા પરવાનગી માંગી હતી.
પરંતુ કોઈપણ કારણોસર પાલિકા તરફથી બાંધકામની પરમિશન ન્હોતી મળી. તે સમયે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે પણ નોટીસ ફટકારી હતી. છતાં થોડા સમય બાદ બાંધકામ ચાલુ જ રહ્યું હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું હતું. જેથી તાજેતરમાં પોલીસ કાફલા સાથે પાલિકાના ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકર સહિત બાંધકામ અને ટાઉન પ્લાનિંગની ટીમો રે.સ. નં.૪૮૪ ખાતે પહોંચી હતી.
જ્યાં જતાં જ ટીપીના અધિકારી નમ્રતા પરમારે જણાવ્યું હતું કે એપ્રિલમાં નોટીસ આપ્યા બાદ પણ બાંધકામ મોટા પાયે કરવામાં આવેલ છે. ઉપરાંત ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકરે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિવાદીત બાંધકામમાં પણ મલાવ તળાવની જમીન દબાણ થઈ હોય એવું લાગે છે. જેથી હવે આગળ કોઈ જ બાંધકામ નહીં કરવા કડક સૂચના વાહીદઅલી સૈયદને આપી હતી.
જો કે આ મામલે પાલિકાએ તરત જ આખરી નોટીસ ફટકારતા ઉલ્લેખ કર્યો હતો કે વિવાદીત અને પરવાનગી સિવાયનું બાંધકામ દિન સાતમાં દૂર કરવું. જો તેમ નહીં થાય તો બાંધકામ કરનારના ખર્ચે અને જોખમે પાલિકા દ્વારા દૂર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે પેટલાદ નગરપાલિકાના ઈ.ચા. ચીફ ઓફીસર હિરલ ઠાકરે કહ્યું હતું કે વર્ષો પહેલાં સરકારી રેકર્ડમાં નોંધ કે સુધારા – વધારા પેન્સિલથી કરવામાં આવતા હતા. જે રેકર્ડ સાથે ચેડાં થયા હોવાની શંકા છે. જો આવી કોઈપણ ઘટના સામે આવશે તો તેવા ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ સહિત ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે પેટલાદમાં સરકારી જમીનો ઉપર જે કોઈ દબાણો કે ગેરકાયદેસર બાંધકામો થયા હશે એવા તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આનંદ પ્રમોદ ઝોનમાં પોલ્ટ્રી
પેટલાદ પાલિકાએ તાજેતરમાં પોલ્ટ્રીનું બાંધકામ કરનાર ઈસમ વાહીદઅલી સૈયદને નોટીસ ફટકારી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે તા.૧૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ નોટીસ આપવા છતાં બાંધકામ પરવાનગી મેળવ્યા સિવાય ચાલુ રાખ્યું છે. પેટલાદ વિસ્તારની વિકાસ યોજના તા.૨૦ ડિસેમ્બર ૧૯૯૬માં મંજૂર થઈ હતી. જેમાં રે.સ. નં.૪૮૪નો આનંદ પ્રમોદ ઝોનમાં સમાવેશ થતો હતો.
જેના ઉપર હાલ પોલ્ટ્રીનું પરવાનગી સિવાય બાંધકામ થઈ રહ્યું છે. ઉપરાંત આ પોલ્ટ્રી મલાવ તળાવના કિનારે છે. જેથી તળાવનું પાણી દૂષિત થવાની અને રોગચાળો ફેલાવવાની સંભાવના રહેલી છે.
આ તમામ વિગતો જોતાં આ બાંધકામથી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની જોગવાઈઓનો ભંગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાહીદઅલી સૈયદે અગાઉ તા.૧૯ નવેમ્બર ૨૦૧૯ના રોજની અરજીથી પોલ્ટ્રી માટે બાંધકામની પરવાનગી માંગી હતી. પરંતુ તે સમયે પણ પાલિકાએ પરવાનગી ન્હોતી આપી.