થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા ૪નાં મોત
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે. ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકોના આ ખનીજ માફિયાઓએ જાણે જીવ લઈ લીધા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે.
સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકો મોતને ભેટ્યા છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, થાન તાલુકાના ખાખરાળી ગામની સીમમાં આવેલ ગેરકાયદેસર કોલસાની ખાણમાં વધુ એક મજૂરના મોતથી ચકચાર મચી ગઈ છે.
સાયલાના ધારાડુંગરી ગામના મજૂરનું કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા મોત નિપજ્યું છે. આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાણ ખનીજ વિભાગ, વહીવટી તંત્ર અને ભાજપ સરકાર સામે કર્યા આકરા પ્રહારો કર્યા છે.
થાન તાલુકામાં ધમધમતી ગેરકાયદેસર કોલસાની ખાણોમાં મજૂરોના વારંવાર મોત નીપજતાં હોવા છતાં તંત્ર અને ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિય કામગીરી સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કોલસાની ખાણમાં ૪ મજૂરોના મોત નીપજ્યા હોવા છતા તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કોઈ જ પગલા ન લેતા રોષ જાેવા મળી રહ્યો છે.