વંથલી તાલુકા પાટીદાર સમાજ દ્વારા પદાધિકારીઓનો જાહેર સન્માન સમારોહ યોજાયો
માણાવદર, છેલ્લા ઘણા સમયથી સમસ્ત પાટીદાર સમાજ કડવા લેઉવા જેવા ભેદભાવ ભૂલીને એક તાંતણે બંધાવા લાગ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં કડવા પટેલો તથા લેઉવા પટેલો એક મંચ ઉપર નજરે પડે છે જે આવકારદાયક પહેલ છે.
જેના અંતર્ગત આજરોજ સમસ્ત વંથલી તાલુકા પાટીદાર સમાજ દ્વારા નવનિયુક્ત પામેલા પાટીદાર સમાજના પદાધિકારીઓનું વંથલી તાલુકાના થાણાપીપળી ગામે જાહેર સન્માન કરતો એક વિશાળ સમારંભ યોજાઈ ગયો. સમારંભના અતિથિ વિશેષ તરીકે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ રહ્યા હતા.
આ સન્માન સમારંભમાં નરેડી ગામના સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરનું તલવાર આપીને સન્માન કર્યું હતું. તેમજ કિરીટભાઈ પટેલનું રાધાકૃષ્ણની છબી આપી અભિવાદન કર્યું હતું. જુનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા,
વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન કોટડીયા, વંથલી તાલુકા ભાજપના પ્રમુખ અને વંથલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાવેશભાઈ મેંદપરા, ભાટીયા ગામના દિનેશભાઈ સુવાગીયા (વંથલી તાલુકા ભાજપના મહામંત્રી ) વગેરેના સન્માનો થયા હતા. સ્ટેજ સંચાલન સાંસદ રમેશભાઈ ધડુકના પ્રતિનિધિ મનોજભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોનું સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું