કાકડીની ખેતી કરતા હરગોવિંદભાઈની સફળતાનો માર્ગ બની “નેટહાઉસ યોજના”
“બોટાદના પ્રગતિશીલ ખેડૂત”: કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી સમૃદ્ધિ તરફ આગેકૂચ કરતા બોટાદ જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂત હરગોવિંદભાઈ ભુંગાણી
બોટાદ, ધરતીપુત્રો આધુનિક અને રક્ષિત ખેતી દ્વારા ઓછા પાણીના ઉપયોગ થકી વધારે ઉત્પાદન અને વધારે આવક મેળવી શકે છે. રાજ્યના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને અનેક લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા બોટાદના ધરતીપુત્રએ પ્રેરણાદાયી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ છે ખીરા કાકડીની ખેતી કરતા બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત હરગોવિંદભાઈ…તેઓ છેલ્લા 4 વર્ષથી નેટહાઉસથી ખેતી કરી એકર દીઠ એક સીઝનમાં પાંચથી છ લાખથી પણ વધુની કમાણી કરી રહ્યા છે.
હરગોવિંદભાઈ વર્ષમાં બે વખત પાક લે છે. ખેતી કરવા માટે નેટહાઉસ તૈયાર કરવા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી 65 ટકા સબસિડીથી હરગોવિંદભાઈનો ઉત્સાહ બમણો થયો છે.
આધુનિક પદ્ધતિથી ખેતી કરવા ઈચ્છતા લાઠીદડ ગામના હરગોવિંદભાઈએ બોટાદ જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીશ્રી પાસેથી નેટહાઉસ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને 24 લાખના પ્રોજેક્ટમાં 65 ટકા સબ્સિડી મળી હતી,
ત્યારબાદ નેટહાઉસ પ્રોજેક્ટ થકી હરગોવિંદભાઈએ કાકડીના પાકની ખેતી કરવાનો શુભારંભ કરી દીધો અને તેમનું ખેતર લીલીછમ કાકડીઓથી લહેરાવવા લાગ્યું. હરગોવિંદભાઈના પરિવારમાંથી પણ અનેક સભ્યો આજે નેટહાઉસ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.
નેટહાઉસ પદ્ઘતિથી ખેતી વિશે હરગોવિંદભાઈના પુત્ર ગૌતમભાઈ જણાવે છે કે, સરકારશ્રી તરફથી અમને નેટહાઉસમાં ખેતી કરવા માટે 65 ટકા લેખે 15 લાખની સબસિડી મળી હતી. જેની મદદથી અમે એક એકરમાં કાકડીનું ઉત્પાદન કરીએ છીએ,
અમે વર્ષે બે સિઝન લઈએ છીએ, તેના થકી અમને ખૂબ સારી આવક થાય છે. નેટહાઉસ પદ્ધતિથી ખેતી કરવાથી ખેડૂતો સારૂં ઉત્પાદન મેળવી શકે છે. આ યોજનાને કારણે અમને ખૂબ સારો લાભ થયો છે.”
ભારતમાં કૃષિ વિકાસમાં ગુજરાત સતત મોખરે રહ્યું છે. રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપી છે, આધુનિક ખેતી તકનીકોને અપનાવીને અને નવીનતાને પ્રોત્સાહિત કરીને, ગુજરાતે કૃષિ પ્રગતિ માટે નોંધપાત્ર ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
ત્યારે બોટાદમાં કૃષિ ક્ષેત્રે હરગોવિંદભાઈ પ્રેરણા બન્યા છે, તેમણે કેવી રીતે નવીનતા અને સમર્પણ થકી નોંધપાત્ર સફળતા મેળવી શકાય છે તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આલેખન-હેમાલી ભટ્ટ