12 હજાર કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 38 સ્ટેશનો અને બે કોરિડોરનો સમાવેશ થશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે રૂ. ૮૫૭ કરોડના કરાર-પ્રોજેક્ટ ૧૩૨ અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના
(એજન્સી)અમદાવાદ, ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડે સુરત મેટ્રો રેલના પ્રથમ તબક્કા માટે ૭૨ મેટ્રો કોચના નિર્માણ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે રૂ. ૮૫૭ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટમાં ૩૮ સ્ટેશનો સાથે કુલ ૪૦.૪૫ કિલોમીટર લાંબા બે કોરિડોરનો સમાવેશ થાય છે અને તેની કિંમત રૂ. ૧૨૦૦૦ કરોડથી વધુ છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડે મંગળવારે (૩ ઓક્ટોબર) ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે રૂ. ૮૫૭ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર સુરત મેટ્રો રેલના પ્રથમ તબક્કા માટે ૭૨ મેટ્રો કોચના નિર્માણને લગતો છે. આ પ્રોજેક્ટની ઓર્ડર વેલ્યુ અંદાજે રૂ. ૮૫૭ કરોડ છે. તમને જણાવી દઈએ કે ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ પહેલા ટીટાગઢ વેગન્સ લિમિટેડ તરીકે ઓળખાતી હતી.
કરાર પર હસ્તાક્ષર કર્યાના ૭૬ અઠવાડિયા પછી પ્રોજેક્ટ શરૂ થશે અને પ્રોજેક્ટ ૧૩૨ અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ૩૮ સ્ટેશનો સાથે કુલ ૪૦.૪૫ કિમીની લંબાઈવાળા બે કોરિડોરનો સમાવેશ થાય છે અને તેનો અંદાજિત ખર્ચ ૧૨,૦૨૦ કરોડ રૂપિયા છે.
આ પહેલા પણ થોડા મહિના પહેલા ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડને અમદાવાદ મેટ્રોની ડિઝાઇન, બાંધકામ, સપ્લાય, ટેસ્ટિંગ, કમિશનિંગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી રૂ. ૩૫૦ કરોડનો ઓર્ડર મળ્યો હતો. આ કંપની રેલવે વેગન અને પેસેન્જર કોચની ઉત્પાદક છે.