મહિલાએ નકલી ડેપ્યુટી કલેક્ટર બની ખેડૂતોને ચૂનો લગાવ્યો
બારડોલીની બાબેન ગામની નેહા પટેલ બનાવટી ડે. કલેક્ટર બની ફરતી હતી- પોલિસે અટકાયત કરી
(એજન્સી)સુરત, સુરત જિલ્લાના માંડવી ખાતે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી છેતરપિંડી આચરવાના પ્રકરણમાં પોલીસે બનાવટી ડે. કલેક્ટર બની ફરતી બારડોલીની બાબેન ગામની નેહા પટેલની અટકાયત કરી હતી.
કેવડિયામાં વિકાસના કામોના ટેન્ડરમાં પૈસા રોકવાનું જણાવી માંડવીના તારાપુર ગામના ખેડૂત અને નિવૃત સરકારી કર્મી રહી ચૂકેલા ઈસમ સાથે ૨૨ લાખની છેતરપિંડી કરી હતી. સુરત જિલ્લામાં બનાવટી ડે. કલેક્ટર બની ફરતી નેહા પટેલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે.
જેમાં આ વખતે સુરત જિલ્લા આદીવાસી વિસ્તાર માંડવી તાલુકાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી. ઘટના મુજબ માંડવીના તારાપુર ગામના ખેડૂત અને નિવૃત સરકારી કર્મચારી રહી ચૂકેલા રામુ ભાઈ દેવજી ભાઈ ચૌધરીએ ફૂલવાડી મેલડી માંનું મંદિર બનાવ્યું છે. અને જ્યાં સને ૨૦૧૬માં લોક ડાયરો રાખવામાં આવ્યો હતો.
આ દરમિયાન નયનબેન નામની મહિલા સાથે આવેલ નેહા પટેલનો સંપર્ક થયો હતો. એ નયન બહેન નામની મહિલા અને બારડોલીના બાબેન રહેતી નેહા પટેલ એક દિવસ રામુ ભાઈના ઘરે પહોંચી હતી. નેહા પટેલે રામુ ભાઈ ચૌધરી આગળ મોટી-મોટી વાતો કરી પોતે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી હતી.