અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ 4966 કરોડનું રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં રોકાણ કરશે
રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં ₹8.381 લાખ કરોડની ઇક્વિટી વેલ્યૂ પર એ.ડી.આઇ.એ. ₹4,966.80 કરોડનું રોકાણ કરશે
આ મૂડીરોકાણ રિલાયન્સ રિટેલના સમાવેશી અને પરિવર્તનશીલ બિઝનેસ મોડલને મળતું સમર્થન દર્શાવે છે
મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“આર.આર.વી.એલ.”)એ આજે જાહેરાત કરી હતી કે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (“ADIA એ.ડી.આ.ઇ.એ.”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની આર.આર.વી.એલ.માં ₹4,966.80 કરોડનું રોકાણ કરશે.
આ રોકાણ વ્યવહારમાં આર.આર.વી.એલ.ની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ ₹8.381 લાખ કરોડ આંકવામાં આવી છે, જે આર.આર.વી.એલ. દેશમાં સૌથી વધુ ઇક્વિટી વેલ્યૂ ધરાવતી ટોચની ચાર કંપનીઓમાં સ્થાન આપે છે. એડીઆઇએ આ રોકાણ થકી આરઆવીએલમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર 0.59 ટકાનો ઇક્વિટી હિસ્સો મેળવશે.
આર.આર.વી.એલ. તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા ગ્રોસરી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઇફ સ્ટાઇલ તથા ફાર્મા ક્ષેત્રે 18,500થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના ઇન્ટિગ્રેટેડ ઓમ્ની-ચેનલ નેટવર્ક સાથે 267 મિલિયન ગ્રાહકોને સેવા આપતા ભારતના સૌથી મોટા, સૌથી ઝડપથી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે.
લાખો ગ્રાહકોને સેવા આપતી સમાવિષ્ટ વ્યૂહરચના દ્વારા ભારતીય રિટેલ સેક્ટરને મજબૂત બનાવવાનું, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમ.એસ.એમ.ઇ. – MSME)ને સશક્ત બનાવવા અને વૈશ્વિક તથા સ્થાનિક કંપનીઓ સાથે પસંદગીના ભાગીદાર તરીકે નજીકથી કામ કરીને ભારતીય સમાજને પુષ્કળ લાભો પૂરા પાડવા, ઉપરાંત લાખો ભારતીયો માટે રોજગારીનું રક્ષણ અને સર્જન કરવું એ આર.આર.વી.એલ.નું વિઝન છે.
આરઆરવીએલ તેના ન્યૂ કોમર્સ બિઝનેસ થકી ત્રણ મિલિયનથી વધુ નાના અને અસંગઠિત વેપારીઓને ડિજિટલાઇઝ કર્યા છે. આનાથી આ વેપારીઓ ટેક્નોલોજી ઉપકરણો અને કાર્યક્ષમ પુરવઠા શ્રૃંખલાની માળખાગત સુવિધાનો ઉપયોગ કરીને તેમના પોતાના ગ્રાહકોને વધુ સારી સવલતો પૂરી પાડવા સક્ષમ બનશે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુમારી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે તેમના સતત સમર્થન સાથે એ.ડી.આઇ.એ. સાથેના અમારા સંબંધોને વધુ ગાઢ બનાવવા બદલ ખુશ છીએ.
વૈશ્વિક સ્તરે મૂલ્ય સર્જનમાં દાયકાઓથી વધુનો તેમનો અનુભવ અમને અમારા વિઝનના અમલીકરણમાં અને ભારતીય રિટેલ ક્ષેત્રના પરિવર્તનને આગળ વધારવામાં ફાયદાકારક નીવડશે. આર.આર.વી.એલ.માં એ.ડી.આઇ.એ.નું રોકાણ એ ભારતીય અર્થતંત્ર અને અમારી મૂળભૂત વ્યાવસાયિક નીતિઓ, વ્યૂહરચના અને અમલીકરણની ક્ષમતાઓ પ્રત્યે તેમના સમર્થનનું વધુ એક પ્રમાણપત્ર છે.”
એ.ડી.આઇ.એ.ના પ્રાઈવેટ ઈક્વિટી વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી હમદ શાહવાન અલધહેરીએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલે અભૂતપૂર્વ ગતિએ વિકાસ પામી રહેલા બજારમાં મજબૂત વૃદ્ધિ અને પરિસ્થિતિને અનુરૂપ થવાની ક્ષમતા દર્શાવી છે.
તેમના બજારોમાં પરિવર્તન લાવી રહેલી અમારા પોર્ટફોલિયોમાંની કંપનીઓ માટેની અમારી વ્યૂહરચના સાથે આ રોકાણ એકદમ સુસંગત છે. અમે રિલાયન્સ ગ્રૂપ સાથે ભાગીદારી કરીને અને ભારતના ગતિશીલ તથા ઝડપથી વિકસતા કન્ઝ્યુમર સેક્ટરમાં અમારી હાજરી વિસ્તારીને ખુશ છીએ.”
આ વ્યવહાર વૈધાનિક મંજૂરીઓને આધીન છે. મોર્ગન સ્ટેનલી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ તરફે નાણાકીય સલાહકાર રહ્યા અને સિરિલ અમરચંદ મંગળદાસ તથા ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાનૂની સલાહકાર રહ્યા હતા.