તું કેમ રોંગ સાઇડમાં તારુ વાહન ચલાવે છે તેમ કહી શખ્સ દાગીના લઈ ફરાર
અમદાવાદ, દિવાળીનો પર્વ નજીક આવતા જ ગઠિયાઓની ગેંગ સક્રિય થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રોંગસાઇડ જઇ રહેલા યુવક પાસેથી બે ગઠિયાઓએ પોલીસની ઓળખ આપીને રૂપિયા ૧ લાખ ૭૩ હજારના દાગીના ભરેલ ડબ્બો સેરવી લીધો છે.
ગઠિયાઓએ યુવકને રોકીને તેની બેગ ચેક કરી હતી. શહેરના અસારવા વિસ્તારમાં રહેતો અને નવરંગપુરા સીજી રોડ પર આવેલ જવેલર્સમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો સુનિલ નામનો યુવક ૩જી ઓક્ટોમ્બરના દિવસે સાંજના સમયે વાઘબકરી ચાર રસ્તા થઇ ત્યાંથી ડાબી બાજુ વળી સી.એ.સર્કલ ખાતે ગયેલ અને ત્યાંથી રોંગ સાઇડમાં સીજી રોડ તરફ જવાના રોડ પર આઇડીબીઆઇ બેંકના દરવાજા પાસે પાછળથી એક મોટર સાયકલ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં. જેમાં પાછળ બેઠેલા શખ્સએ સુનિલને કહ્યું હતું કે તું કેમ રોંગ સાઇડમાં તારુ વાહન ચલાવે છે,
તેમ કહીને તેને ઉભો રાખીને બંન્ને શખ્સો તેની પાસે આવ્યા હતાં. એક શખ્સએ તેની પાસે રહેલ બેગ ચકાસીને બેગમાં રહેલ ડબ્બામાં શું છે? તેમ પુછ્યું હતું. જ્યારે થોડીવાર બાદ બંન્ને શખ્સો ત્યાંથી સી.એ સર્કલ તરફ જતા રહ્યાં હતાં.
ફરીયાદી યુવક દુકાનએ પહોંચીને બેગ ચેક કરતાં તેમાં રૂપિયા ૧ લાખ ૭૩ હજારની કિંમતના સોનાના દાગીના ભરેલ ડબ્બો ગાયબ હતો. જે બાબતની જાણ તેના શેઠને કરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જાેકે, દિવાળીનો પર્વ આવતા જ શહેરના સી જી રોડ પર ગઠિયાઓ અને લુંટારૂઓની ગેંગ સક્રિય થઇ જાય છે અને આ પ્રકારના બનાવોને અંજામ આપે છે. જ્યારે પોલીસ પણ જવેલર્સના વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારીઓને સાવચેત રહેવા માટે જરૂરી સૂચનો કરે છે.SS1MS