Western Times News

Gujarati News

રાજ્યમાં 52 સ્થળોએ 23 વેપારીઓના સ્થળે GSTના દરોડાઃ 8.10 કરોડની કરચોરી

સિરામીક, ભંગાર, મોબાઈલ ફોન, કોસ્મેટિક આઇટમ્સ, ફરસાણ, હોટેલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર, કોચીંગ ક્લાસીસ, પ્રિન્ટિંગ સર્વિસિઝ સાથે સંકળાયેલા 23 વેપારીઓના સ્થળે દરોડા

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના 7 જિલ્લાઓમાં કુલ 52 જેટલા સ્થળોએ જીએસટી વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડા સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ ખાતે પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ. 8.10 કરોડની કરચોરી પકડાઈ હતી.

સ્ટેટ જીએસટી વિભાગે સિરામીક, ભંગાર, મોબાઈલ ફોન, કોસ્મેટિક આઇટમ્સ, ફરસાણ, હોટેલ-રેસ્ટોરન્ટ, ટૂર ઓપરેટર, કોચીંગ ક્લાસીસ, પ્રિન્ટિંગ સર્વિસિઝ સાથે સંકળાયેલા 23 વેપારીઓના સ્થળે દરોડાની કાર્યવાહી કરાઇ.

આ કાર્યવાહી દરમિયાન આ પેઢીઓના સ્થળેથી ઘણા બધા બિનહિસાબી વ્યવહારો દસ્તાવેજો/પુરાવાઓ મળી આવ્યા. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં તથા ખરેખર હાજર સ્ટોકમાં પણ તફાવત મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ પણ ભોગવેલ હોવાનું બહાર આવેલ. આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ રૂ. 8.10 કરોડની કરચોરી ધ્યાને આવેલ છે. તપાસની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેક્ટિસનો અભ્યાસ કરવામાં આવેલ છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વાર કરચોરી કરવા અપનાવતી યુક્તિ પ્રયુક્તિ શોધી કાઢવામાં આવે છે તથા આવા ટેક્ષપેયરોનું સિસ્ટમ આધારિત પ્રોફાઇલિંગ કરવામાં આવે છે.

આવા અભ્યાસમાં ધ્યાને આવેલ છે કે, મોટાભાગના વિવિધ સેકટર સાથે સંકળાયેલ ટેક્ષપેયરો દ્વારા મુખ્યત્વે સીધા ઉપભોક્તાઓને (B2C) કરવામાં આવતા વેચાણો તથા આપવામાં આવતી સર્વિસીઝ અન્વયે બિલ આપવામાં આવતા નથી. આ ઉપરાંત વેરો ભરવાનો ન થાય/ઓછો ભરવાપાત્ર થાય તે માટે મળવાપાત્ર ન હોય તેવી ખોટી વેરાશાખનો દાવો કરતા હોવાનું ધ્યાને આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.