દશેરાએ ભદ્ર પ્લાઝા ખાતે ઝોન દીઠ વિજેતા સોસાયટી-સંસ્થાઓ વચ્ચે ગરબા સ્પર્ધા યોજાશે
મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધાનો ધમધમાટ શરૂઃ ઝોન દીઠ ત્રણ વિજેતા જાહેર કરાશે
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આગામી નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે શહેરના સાતેય ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર એણ. થેન્નારસન દ્વારા પાંચ-પાંચ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
જે તે ઝોનના આસિસ્ટન્ટ કમિશનર અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓ સાથે આગામી ૨૩ ઓક્ટોબર સુધી સાંજના ૭ થી મોડી રાત સુધી આ સ્પર્ધાની કામગીરી કરશે. આ ઉચ્ચ અધિકારીઓ વિવિધ જગ્યાઓએ યોજાતા શેરી ગરબાઓની મુલાકાત લેશે. આ કાર્યક્રમ હેઠળ સંબંધિત ઝોનના સોલિટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર દ્વારા ગરબા થતાં હોય તેવાં સ્થળોએ ફોર્મનું વિતરણ કરી તેને ભરાવીને તેમજ તેની ચકાસણી કરી જે તે ઝોનના વહીવટ વિભાગના આસિસ્ટન્ટ મેનેજરને સુપરત કરશે.
પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રીથા સુનિલના નેતૃત્વમાં દીપક પટેલ, હિતેન્દ્ર મકવાણા, ડો. જી.ટી. મકવાણા અને વિપુલ પટેલ શેરી ગરબાની મુલાકાત લેશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હાર્દિક ઠાકોરના નેતૃત્વમાં મનીષ શાહ, મૂકેશ પટેલ, મેહુલ આચાર્ય અને કનકસિંહ રોહડિયા ફરજ બજાવશે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલાની આગેવાનીમાં હરદેવસિંહ જાદવ, કાંતિભાઈ પટેલ,ડો. મિલન નાયક અને ડો. રાકેશ મિલિશીયાને જવાબદારી સોંપાઈ છે. મધ્ય ઝોનમાં સાગર પિલુચિયાના નેતૃત્વમાં પ્રશાંત વોરા, આર.કે. તડવી,
ડો. હેમેન્દ્ર આચાર્ય અને વિરલ ચૌધરી, ઉત્તર ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હેંમંત આર. બલાતની આગેવાનીમાં દિલીપ પટેલ, વિક્રમ કટારિયા, ડો. દક્ષા મૈત્રક અનએ પ્રવણ કંસારા, દક્ષિણ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડો. નિકુંજ પ્રજાપતિના નેતૃત્વમાં દિનેશ અસારી, શંકર અસારી, ડો. તેજસ શાહ
અને જીતેન્દ્ર ચૌધરી અને પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પારગીના નેતૃત્વમાં પ્રશાંત શાહ, વિનય ગુપ્તા, ડો. અશ્વિન ખરાડી અને લોકેન્દ્રસિંહ રાઠોડ ફરજ બજાવશે. આ તમામ ટીમ ૨૩ ઓક્ટોબર સુધી સાંજના ૭ થી મોડી રાત સુધી કામગીરી કરશે.
સ્પર્ધા માટે કુલ ૧૦૦ માર્ક્સ રાખવામાં આવ્યા છે, જેમાં ટ્રેડિશનલ ડ્રેસ અને ટ્રેેડિશનલ ગરબા માટે સૌથી વધુ ૪૦ માર્ક્સ નિયત કરાયા છે. ગરબા સ્થળે સ્વચ્છતા માટે ૧૦ માર્કસ, સ્વચ્છતા અંગે એનાઉન્સમેન્ટના ૧૦ માર્કસ, ફૂડ સ્ટોલ હોય તો આરોગ્યપ્રદ ખોરાક, પીવાનું પાણી, ડસ્ટબિન વગેરેની વ્યવસ્થા માટે ૧૦ માર્કસ, થીમ બેઝ્ડ, આરોગ્યને પ્રાધાન્ય આપનારા
તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન દર્શાવતા બેનર્સને ૧૦ માર્કસ, પાર્કિંગ વ્યવસ્થાને ૧૦ માર્કસ, મંડપ વ્યવસ્થા જેમ કે ઈલેક્ટ્રિક વાયરિંગ, સેફ્ટી અને સલામતીની વ્યવસ્થા માટે પાંચ માર્કસ અને પાંચ માર્કસ ગરબા નિયત સમયે એટલે કે રાતના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અથવા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા સમય સુધીમા સમાપ્ત થાય તે માટે આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત ઝોન દીઠ ત્રણ વિજેતાની યાદી તૈયાર કરાશે અને ઈનામી ચૂકવણી માટે જરૂરી વિગતો જેવા કે વિજેતાના પાન કાર્ડની નકલ અને કેન્સલ ચેકની વિગત પબ્લિસિટી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મોકલવાની રહેશે. સંબંધિત ઝોનમાંથી વિજેતા થયેલી સોસાયટીઓ કે સંસ્થાઓની ૨૪ ઓક્ટોબર, દશેરાના રોજ ભદ્ર પ્લાઝા ખાતે મેયર વિજેય પદ્મ ગરબા સ્પર્ધા યોજાશે.
સ્ટેન્ડિંગ કમિટીમાં મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા ૨૦૨૩માં ઝોન દીઠ પ્રથમ વિજેતા રૂા. ૩૧૦૦૦ દ્વિતીય વિજેતાને રૂા. ૨૧૦૦૦ તેમજ તૃતીય વિજેતાને રૂા. ૧૧૦૦૦નું પ્રોત્સાહિત ઈનામ આપવાને લગતી દરખાસ્ત મંજૂર કરાઈ હતી. પબ્લિસિટી વિભાગની આ દરખાસ્ત હેઠળ ઝોનદીઠ પ્રથમ વિજેતા સોસાયટી અને સંસ્થા વચ્ચે મેયર દ્વારા નિયત કરવામાં આવે તે તારીખે ભદ્ર ચોક ખાતે ગરબા સ્પર્ધાનું આયોજન કરી તેમાં પ્રથમ વિજેતા સોસાયટી કે સંસ્થાને વધારાનું રૂા. ૫૧,૦૦૦નું ઈનામ અપાશે.