પેટલાદની સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો રાજ્યસ્તરે ઝળક્યા
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) પેટલાદ, તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ વેરાવળ ખાતે યોજાયો હતો.?જેમાં પેટલાદની સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં બૌદ્ધિક અને શારિરીક સ્પર્ધાઓમાં પેટલાદની પાઠશાળાના ઋષિકુમારોએ ગોલ્ડ મેડલ સહિતના અન્ય મેડલો મેળવી રાજ્યસ્તરે ઝળક્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ ખાતે એક શતકથી કાર્યરત શ્રી નારાયણ સંસ્કૃત પાઠશાળા છે. અહિયાં ભારતીય સંસ્કૃતિ સહિત ધર્મ અને કર્મકાંડના પાઠ ભણાવવામાં આવે છે. આ પાઠશાળાએ દેશને અનેક વિદ્વાનો આપ્યા છે. છોટે કાશી ગણાતા ઐતિહાસિક પેટલાદ નગરની આ સંસ્કૃત પાઠશાળામાં રાજ્યભરના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અહીંયા આવે છે.
આવી ઉત્કૃષ્ટ? પાઠશાળાના ઋષિકુમારોએ તાજેતરમાં વેરાવળ ખાતે યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા યોજાયેલ યુવક મહોત્સવમાં રાજ્યના ખૂણે ખૂણેથી લગભગ ૭૦૦ જેટલા ઋષિકુમારો (વિદ્યાર્થીઓ)એ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ ઋષિકુમારો માટે બૌદ્ધિક અને શારીરિક એમ બે પ્રકારની વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન થયું હતું. આ સ્પર્ધાઓ માટે ઉત્તમ નિર્ણાયકો અને માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કર્યા બાદ જે તે વિષયમાં પોતાનો ર્નિણય આપી વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર કર્યા હતા.
જે પૈકી પેટલાદની શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ બૌદ્ધિક સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી રાજ્યભરની મહાવિદ્યાલયોને મંત્રમુગ્ધ કરી હતી. જેમાં જય દિપકભાઈ પુરોહિત આશુભાષણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ઉપરાંત તેઓએ સાહિત્ય રચના સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક સાથે સિલ્વર મેડલ, વાદ-વિવાદ સ્પર્ધામાં પણ દ્વિતીય ક્રમાંક સાથે સિલ્વર મેડલ તથા શાસ્ત્રીય સ્ફૂર્તિ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે આ જ પાઠશાળાના રાજન કમલેશભાઈ ભટ્ટે આશુભાષણ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક સાથે બ્રોન્ઝ મેડલ અને વિશાલ ચંદ્રકાંતભાઈ જાેષીએ શાસ્ત્રીય સ્ફૂર્તિ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
ઉપરાંત વોલીબોલ સ્પર્ધામાં મંથન લક્ષ્મણભાઈ વૈદ્ય તથા દર્શિલ દેવેન્દ્રભાઈ જાેષીની વોલીબોલ નેશનલ ટીમમાં પસંદગી થવા પામી છે. આમ શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ બૌદ્ધિક અને શારીરિક સ્પર્ધામાં ઉત્તમ પારિતોષિકો પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં ભવ્ય વિજય મેળવ્યો છે.
પાઠશાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ મહાવિદ્યાલયના ટ્રસ્ટી વ્રજેશભાઈ પરીખ, પ્રધાનાચાર્ય ડૉ.રઘુભાઈ જાેષી, સ્પર્ધાના સંયોજક હરદેવભાઈ રાવલ તથા મહાવિદ્યાલયના તમામ ગુરુજનોએ બિરદાવી સુભાશિષ પાઠવ્યા હતા.