છેલ્લા 13 વર્ષમાં સ્કૂલ બોર્ડ સંચાલિત 37 શાળાઓમાં કુલ 37 ચોરીઓ થઇ છે
મ્યુનિ. શાળાઓમાંથી કિંમતી માલ સામાનની ચોરી- પ્રાથમિક શાળાઓની દેખરેખ રાખવાની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, AMC સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (સ્કૂલ બોર્ડ )દ્વારા અમદાવાદ શહેરમાં કુલ ૪૫૯ મ્યુનિ. પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં કુલ ૧,૬૬,૯૫૮ બાળકો હાલમાં અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાઓની દેખરેખ રાખવાની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની છે.
સ્કૂલ બોર્ડના કર્મચારીઓ પોતાની ફરજ નિભાવવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડ્યા છે. જેના કારણે મ્યુનિસિપલ શાળાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કિંમતી સામાન ની ચોરી થઈ છે જયારે ૨૦૧૫માં જાહેરાત કરવામાં આવી હોવા છતાં કેટલીક શાળાઓમાં સી સી ટી વી લાગ્યા નથી અથવા પૂર્ણ કાર્યરત નથી.
સ્કૂલ બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઑમાં ભણતા વિધાર્થીઓના શિક્ષણમાં સુધાર આવે તેમ જ વિધાર્થીઓ ભણવામાં હોશિયાર થાય તે હેતુથી પ્રાથમિક શાળાઓમાં વિવિધ પ્રકારના આધુનિક સાધનો ખરીદવામાં આવે છે. પરંતુ તેને સાર સંભાળ કે દેખરેખ રાખવામા આવતી નથી .
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ વર્ષ ૨૦૧૦ થી વર્ષ – ૨૦૨૩ એટ્લે કે છેલ્લા ૧૩ વર્ષમાં સ્કૂલ બોર્ડ સંચાલિત ૩૭ પ્રાથમિક શાળાઑમાં વિવિધ પ્રકારના સાધન સામગ્રી તથા અન્ય વસ્તુઓની કુલ ૩૭ ચોરીઓ થઇ છે. જે ચોરીઓમાં – પ્રાથમિક શાળાઓના કર્મચારીઓ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાયેલ છે.
કુલ ૩૭ ચોરીઓમાં જે સાધન સામગ્રી કે અન્ય ચીજ વસ્તુઓની ચોરી થયેલ છે જેની કિંમત કુલ રૂપિયા ૧૫,૪૨,૧૮૦/- રૂપિયા થાય છે. જેમાથી આજદિન સુધી માત્ર ૪,૧૮,૦૦૦/- રૂપિયા ના સાધન સામગ્રીની રિંકવરી એટલે પરત મેળવેલ છે. ૧૧,૨૪,૧૮૦/- રૂપિયાના ચોરી ગયેલ સાધન સામગ્રી સ્કૂલ બોર્ડ મેળવી શક્યું નથી.
મ્યુનિ. શાળાઓમાંથી કમ્પ્યૂટર સેટ, પીત્તળના દિવા, સીલીંગ ફેન, પોલીસ વીજીલન્સના સીસીટીવી કેમેરા. એલઈડી ટીવી, કેનન પ્રિન્ટર, રમતગમતના સાધનો, તિજાેરી, પાણીની મોટર જેવા માલ સામાનની ચોરી થઈ છે. મ્યુનિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ શાળાઓમાં સીસીટીવી લગાવવા માટે જાહેરાત થઈ હતી જેનો પૂર્ણ અમલ થયો નથી અથવા મોટાભાગના કેમેરા બંધ છે.