કેમિકલના વેપારીઓનાં 20થી વધુ સ્થળો પર ITના દરોડા
અમદાવાદમાં બ્લીચ-ધારા કેમિકલ સહિતના વેપારીઓ પર તવાઈ ઃ મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા
(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રૂપ્સ પર આઈટી વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા વેપારીઓના ત્યાં ઈન્કમટેકસ વિભાગે આજે સપાટો બોલાવ્યો છે.
આવકવેરા વિભાગની ટીમોએ શહેરના બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલના વેપારીના ત્યાં તવાઈ બોલાવી છે. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમો વહેલી સવારથી કાર્યરત છે અને વેપારીઓના ર૦થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. ટૂંકા ગાળામાં જ ફરી ઈન્કમટેકસ વિભાગ ત્રાટકતાં શહેરના અન્ય જવેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શકયતા છે. કેયુરભાઈ શાહ સહીત કેમિકલના અનેક વેપારીઓ-બ્લોચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજાે કસાયો છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળું નાણું બહાર આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આઈટી વિભાગની ટીમો ત્રાટકી હતી અને તે સમયે વિભાગે એકસાથે ૪૦ સ્થળો પર દરોડા પાડયા હતા. ઈન્કમટેકસ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસજી હાઈવે પરના સિગ્નેચર-૧ના સ્વાતિ ગ્રુપની ઓફિસ પર પણ સર્ચ હાથ ધરાયું છે.