સુરતના અડાજણમાં કોર્પોરેશનના આવાસમાં છતના પોપડા પડ્યા
(એજન્સી)સુરત, સુરતના અડાજણ વિસ્તારમાં કોર્પોરેશનના આવાસમાં છતના પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. જાે કે સદનશીબે આ સમયે ગેલરીમાં રમતા બાળકોનો આબાદ બચાવ થયો હતો.
જર્જરિત આવાસમાં લોકોનું રહેવું કેટલું સલામત તે હવે આ ઘટના બાદ પ્રશ્ન ઉઠી રહ્યા છે. અચાનક પોપડા પડતા લોકોએ જીવ બચાવવા નાસભાગ કરી મૂકી હતી. વર્ષ ૨૦૧૫માં બનેલું આવાસ જર્જરિત થતા આજે મસમોટા પોપડા ખરી પડયા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે, અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્રારા આવાસના સમારકામ કરવામાં આવી રહ્યા નથી.હવે લોકો આવાસમાં ભયના ઓથાર જીવી રહ્યાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આવાસ રિપેરીંગ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી હતી.
ચોમાસાની ઋતુમાં છતમાં પાણી લીકેજ થવાના કારણે પ્લાસ્ટર અને સળિયાનો હિસ્સો નબળો પડતો હોય છે. આ નબળો હિસ્સો ગમે ત્યારે તૂટી પડે છે. છતના પોપડાં પડવાની આ કારણે ઘટનાઓ બનતી હોય છે. સ્થાનિકો આવા નબળા હિસ્સાઓનું વહેલી તક અને મજબૂત સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે. આજની ઘટનામાં બાળકો જે હિસ્સામાં પોપડા પડ્યા તેની નજીક રમતા હતા.