Western Times News

Gujarati News

ઇઝરાયલની સૈન્યનો દાવો, લેબનોન તરફથી થઇ ઘૂસણખોરી

નવી દિલ્હી, સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ ઈઝરાયેલ-ગાઝા યુદ્ધના પાંચમા દિવસે (બુધવાર, ૧૧ ઓક્ટોબર) મૃત્યુઆંક લગભગ ૩,૬૦૦ પર પહોંચી ગયો છે. દરમિયાન, ઇઝરાયેલના સૈન્યએ દાવો કર્યો હતો કે લેબનોનથી દેશના એરસ્પેસમાં શંકાસ્પદ ઘૂસણખોરી થઈ છે. સેનાના હોમ ફ્રન્ટ કમાન્ડે લેબનોનની સરહદ નજીક દેશના ઉત્તર ભાગમાં આવેલા બીટ શીન, સફેદ અને તિબરિયાસ શહેરોના રહેવાસીઓને મોટા પાયે હુમલાના ભયને કારણે આગામી સૂચના સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

આ ઉપરાંત, ઉત્તરીય સરહદ નજીકના ઘણા શહેરોમાં રોકેટ સાયરન પણ સતત વાગતા રહ્યા હતા. એએફપીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અગાઉ લેબનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે કહ્યું હતું કે વધતા સરહદી તણાવ વચ્ચે આ સપ્તાહની શરૂઆતમાં ઈરાન સમર્થિત જૂથના ત્રણ સભ્યો માર્યા ગયા બાદ તેણે ઈઝરાયેલ પર મિસાઈલો છોડી હતી. જે બાદ ઇઝરાયલ તરફથી વળતી કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટમાં હિઝબુલ્લાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે હિઝબુલ્લાહે યહૂદી (ઇઝરાયેલ) હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને ગાઇડેડ મિસાઇલોથી ધાયરા ગામને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન ઘણા લોકો શહીદ થયા. ઇઝરાયેલે કહ્યું કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહની લશ્કરી પોસ્ટ્‌સમાંથી એક પર હુમલો કર્યો હતો.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં બંને તરફથી લગભગ ૩,૬૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધ વચ્ચે ગાઝાના એકમાત્ર પાવર પ્લાન્ટમાં ઇંધણ સમાપ્ત થઈ ગયું અને ત્યાંનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આ સિવાય ઈઝરાયલે વીજળી પણ કાપી નાખી હતી. જેના કારણે ગાઝામાં સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.