Western Times News

Gujarati News

અમેરિકાઃ કાર લૂંટવા આવેલા શખસે ધડાધડ ફાયરિંગ કરતાં મોત થયું

અમદાવાદ, અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં પોતાની કાર લૂંટીને ભાગી રહેલા એક વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરનારા ગુજરાતીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રે બારેક વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની તાજેતરમાં જ ફ્લોરિડા સ્થિત અમારા એક વ્યૂઅરે જાણ કરી હતી, જેમાં અલ્પેશ શાહ નામના વ્યક્તિનું ગોળી વાગવાને કારણે મોત થયું હતું.

અલ્પેશ શાહ ફ્લોરિડાના પામ બે સિટીમાં આવેલી એક લીકર શોપમાં કેશિયર તરીકે જાેબ કરતા હતા તેમજ બે દીકરા અને પત્ની સાથે અમેરિકામાં જ વર્ષોથી રહેતા હતા, તેમજ ઘરમાં તેઓ કમાનારા મુખ્ય વ્યક્તિ હતા. અલ્પેશભાઈને ફ્લોરિડામાં લોકો છન્ના નામે ઓળખતા હતા, તેમની કાર લઈને ભાગવાનો પ્રયાસ કરનારા લૂંટારાએ અલ્પેશભાઈએ પ્રતિકાર કરતાં તેમના પર ધડાધડ ગોળીઓ છોડી હતી, જેના કારણે અલ્પેશભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. જાેકે, અલ્પેશ શાહને હોસ્પિટલ પહોંચાડાયા ત્યારે ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા.

અલ્પેશ શાહની હત્યામાં ૨૩ વર્ષના એક અમેરિકનની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું, જેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આમ તો અમેરિકામાં જાે કોઈ ગુજરાતીનું મોત થાય તો તરત જ તેના સમાચાર આવી જતા હોય છે, પરંતુ ફ્લોરિડાની પોલીસ દ્વારા રાજ્યના મર્સી’સ લૉ હેઠળ મૃતકનું નામ જાહેર કરવામાં નહોતું આવ્યું. અલ્પેશ શાહના આકસ્મિક નિધન બાદ તેમના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘરમાં તેઓ કમાનારા મુખ્ય વ્યક્તિ હોવાથી તેમના અવસાન બાદ તેમના પરિવારને આર્થિક મદદ કરવા માટે ફંડ રેઈઝિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. ફંડ રેઈઝ કરવા માટેની વેબસાઈટ પર અપાયેલી માહિતી અનુસાર, ૧૨ સપ્ટેમ્બરના રોજ મંગળવારે અલ્પેશ શાહના પરિવારજનોને તેમના આકસ્મિક મોતની જાણ થઈ હતી. અલ્પેશ શાહ પામ બે સિટીના એક ગેસ સ્ટેશન પર ગયા હતા, પરંતુ જ્યારે તે પોતાની પાર્ક કરાયેલી ગાડી તરફ પાછા ગયા ત્યારે તેમાં એક અજાણ્યો વ્યક્તિ બેઠો હતો.

અલ્પેશ શાહે પોતાની કારનો દરવાજાે ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન તેમની કારમાં બેઠેલા વ્યક્તિએ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના અલ્પેશ શાહ સામે હથિયાર તાકતા તેમાંથી ધડાધડ ગોળીઓ છોડી હતી, જેના પરિણામે અલ્પેશ શાહ ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ લૂંટારો તેમની કારને લઈને ભાગી ગયો હતો, પરંતુ તે વધારે દૂર પહોંચે તે પહેલા જ પોલીસે કારને આંતરી લીધી હતી, ત્યારે પણ લૂંટારાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જાેકે, પોલીસ દ્વારા તેને તુરંત જ પકડી લેવાયો હતો. મૃતક અલ્પેશ શાહ પાસે કોઈ ઈન્શ્યોરન્સ પણ ના હોવાના કારણે તેમનો પરિવાર આર્થિક સંકડામણમાં પણ આવી ગયો છે. તેમને મદદ કરવા માટે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ દ્વારા દોઢ લાખ ડોલરનું ફંડ એકત્ર કરવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાંથી અત્યારસુધી ૪૫ હજાર ડોલર જેટલી રકમ એકત્ર કરવામાં સફળતા મળી છે. અલ્પેશભાઈના બંને દીકરા હાલ અભ્યાસ કરે છે, જાેકે તેઓ ક્યારે અમેરિકા શિફ્ટ થયા હતા તેમજ ગુજરાતમાં તેઓ ક્યાંના વતની હતા તે અંગેની કોઈ વિગતો નથી મળી શકી.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભારતીયો પર કે પછી તેમની માલિકીના સ્ટોર અથવા ગેસ સ્ટેશન પર હુમલા થવાની ઘટના અવારનવાર બનતી રહે છે. અમેરિકાના નામાંકિત શહેરોમાં પણ એવા વિસ્તારો છે કે જ્યાં ધોળા દિવસે પણ નીકળવું સેફ નથી મનાતું, અને દેશમાં લૂંટના ઈરાદે વર્ષે-દહાડે કેટલાય નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.