સિંગતેલના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓને રાહત
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ખાદ્યતેલનાં વધી રહેલા ભાવથી ગૃહણીઓનું બજેટ ખોરવાયુ હતું ત્યારે હવે તહેવારો નજીક આવી રહ્યા છે તે સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને રાહત મળી છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા ૩૦૦૦ હજારને પાર થયો હતો
ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા ૨૯૩૦ હતો જેમાં ફરી એકવાર રુપિયા ૨૦નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા ૨૯૧૦ થયો છે. સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જાેવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં થઈ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. આ પહેલા સિંગતેલમાં રુપિયા ૧૫નો ઘટાડો થયો હતો જેને પગલે સિંગતેલના ભાવ ૨૯૩૦ થયો હતો. રાજ્યમાં થોડા દિવસો બાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે.