Western Times News

Gujarati News

અશુદ્ધ સાબરમતીઃ નદીનું પાણી નહાવા લાયક પણ રહ્યું નથી

Files Photo

નારોલ-નરોડા મેગા લાઈનમાંથી પણ ટ્રીટ કર્યાં વિના કેમિકલયુક્ત પાણીનો મોટો જથ્થો નદીમાં છોડવામાં આવી રહયો છે જેના કારણે પણ નદીમાં જીવલેણ બેકટેરિયાઓની માત્રા વધી રહી છે

કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા નદી માટે જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે તેના કરતા અનેકગણા પેરામીટર સાબરમતી નદીમાં જાેવા મળી રહયા છે.

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી દિન- પ્રતિદિન વધુને વધુ પ્રદુષિત થઈ રહી છે. કેન્દ્ર સરકારની નદી શુધ્ધિકરણ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ સાબરમતી માટે કરવામાં આવ્યો હતો તેમ છતાં નદીમાંથી પ્રદુષણની માત્રા લેશમાત્ર પણ ઓછી થતી નથી.

સાબરમતી નદીના પ્રદુષણ માટે તંત્ર ખુદ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. મ્યુનિ. કોર્પો. દ્વારા નદીમાં મોટી માત્રામાં સુએઝ વોટર છોડવામાં આવી રહયું છે આ ઉપરાંત નારોલ-નરોડા મેગા લાઈનમાંથી પણ ટ્રીટ કર્યાં વિના કેમિકલયુક્ત પાણીનો મોટો જથ્થો નદીમાં છોડવામાં આવી રહયો છે જેના કારણે પણ નદીમાં જીવલેણ બેકટેરિયાઓની માત્રા વધી રહી છે

જેનો ભોગ ૪૦ કરતા વધુ ગામના રહીશો અને ખેડૂતો બની રહયા છે. કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા નદી માટે જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે તેના કરતા અનેકગણા પેરામીટર સાબરમતી નદીમાં જાેવા મળી રહયા છે.

દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીની ગણના થઈ રહી છે લગભગ બે વર્ષ અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ નદીનું પાણી પીવાલાયક રહયું નથી તેવી ટકોર કરી હતી તેમ છતાં નદીના પ્રદુષણમાં કોઈપણ ઘટાડો ન થતાં થોડા સમય અગાઉ હાઈકોર્ટે નદીનું પાણી નહાવા લાયક પણ રહયું નથી તેવી ટકોર કરવી પડી હતી

નદીમાં બાયોલોજીકલ ઓક્સિજન ડીમાન્ડ અને કેમીકલ ઓક્સિજન ડીમાન્ડની માત્રાખૂબ જ વધારે છે. કેન્દ્રીય પોલ્યુશન બોર્ડના નિયમ મુજબ બીઓડીની માત્રા પેરામીટર મુજબ ૧ હજાર લીટર પાણીમાં બીઓડીની માત્રા વધુમાં વધુ ૧૦ મી.લી. ગ્રામ અને સીઓડીની માત્રા વધુમાં વધુ પ૦ મી.લી.ગ્રામ હોવી જાેઈએ

જેની સામે સાબરમતી નદીના વિવિધ સ્થળેથી સેમ્પલના જે પરીક્ષણ કરવામાં આવ્યા છે તેમાં બીઓડીની માત્રા ૩૮ થી લઈ રપ૩ સુધી આવી છે. જયારે સીઓડીની માત્રા ૮૦ થી ૬૩૧ સુધી આવી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા સુઅરેઝ વોટર ટ્રીટમેન્ટ માટ ૮૦૦ એમ.એલ.ડી ક્ષમતાના પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે તેમ છતાં દૈનિક ૩૦૦ થી ૪૦૦ એમએલડી સુઅરેઝ વોટર ડાયરેક નદીમાં છોડવામાં આવી રહયું છે.

સામાન્ય ગણતરી કરીએ તો મ્યુનિ. કોર્પોરેશન તરફથી દૈનિક ૧૪૦૦ એમએલડી શુધ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ખાનગી બોરમાંથી ઓછામાં ઓછા ર૦૦ થી ૩૦૦ એમએલડી પાણીનો વપરાશ થાય છે

તેની સામે મ્યુનિ. કોર્પો. પાસે વધુમાં વધુ ૧૦૦૦ એમએલડી પાણી ટ્રીટ કરવાની સુવિધા છે તેથી વધારાનું જે પાણી છે તે સીધુ નદીમાં જ જઈ રહયું છે. આ ઉપરાંત નરોડાથી નારોલ સુધી જે ઔદ્યોગિક વસાહતો આવેલી છે તેમના પાણી મેગાલય મારફતે સીધા જ નદીમાં છોડવામાં આવી રહયા છે. નરોડા, ઓઢવ, વટવા, અને નારોલ ઔદ્યોગિક વસાહતોમાં પાણી શુધ્ધ કરવા માટે અલાયદા સીઈટીપી બનાવવામાં આવ્યા છે

પરંતુ તેના પણ પેરામીટર જળવાતા ન હોવાથી આ તમામ કેમીકલ યુક્ત પાણી સુધી નદીમાં ભળી રહયું છે. સાબરમતી નદીની અ-શુધ્ધિનો ભોગ ૪૦ કરતા વધુ ગામના રહીશો બની રહયા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ દ્વારા થોડા વર્ષો અગાઉ કરવામાં આવેલ સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતાં.

સદર સંસ્થાએ ૪૩ ગામના ૬૩૭ ઘરમાં પીવાલાયક પાણીના પરીક્ષણ કર્યાં હતાં જેમાં રર૬ ઘરમાં ઈ-કોલાઈ બેકટેરિયાની માત્રા ૧૧થી ૧૦૦૦ સુધીની જાેવા મળી હતી જયારે ૮૮ મકાનમાં તેનું પ્રમાણ ૧૦૦ થી ૧૦૦૦ અને ૧ર મકાનમાં તેની માત્રા ૧૦૦૦ થી ૧૮૦૦ પ્રતિ ૧૦૦ મી.લી. લીટર જાેવા મળી હતી.

વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના પેરામીટર મુજબ ૧૦૦ મી.લી. પાણીમાં ઈ-કોલાય બેકટેરિયાની માત્રા વધુમાં વધુ ૧૦ હોવી જાેઈએ. આ ગામોમાં નદીના પાણીથી જ અંદાજે ૯ હજાર હેકટર જમીનમાં ખેતી થાય છે જેના કારણે ખેડૂતો ચામડીના રોગનો ભોગ બની રહયા છે અને તેમને હાથ અને પગમાં બળતરા થવાની સમસ્યા કાયમી બની ગઈ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ ઓકટોબર-ર૦૧૮માં સાબરમતીના પ્રદુષણ મામલે તાકીદ કરી હતી પરંતુ મ્યુનિ. કમિશ્નર અને સત્તાધારી પાર્ટીને માત્ર ૩ બ્રીજ વચ્ચે જ નદીને શુધ્ધ રાખવામાં રસ છે તેવી ચર્ચા પણ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.