ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો વિભાગ દ્વારા ઇન્ટ્રા મુટ કોર્ટ સ્પર્ધાનું આયોજન કરાયું
અમદાવાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ, સ્કૂલ ઓફ લૉ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ પ્રથમ ઇન્ટ્રા મુટ કોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન સમારંભમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના મેમ્બર સેક્રેટરી શ્રી રાહુલ ત્રિવેદી હાજર રહ્યાં હતાં.
તેઓએ એડવોકેટની ભૂમિકા, કાયદાકીય સહાય તથા પોતાના અનુભવ રજૂ કરી સ્પર્ધકોને ઉત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ કાયદાના વિદ્યાર્થીઓને વકીલાતની નિપુણતા, અદાલતી શિષ્ટાચાર અને વ્યવસાયિક નીતિશાસ્ત્રમાં તેમની કાર્યક્ષમતા વધુ સારી બનાવવામાં પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડવાનો હતો.
સદર સ્પર્ધામાં કુલ ૧૨ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક રાઉન્ડ, સેમી ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ હતા. અંતે, કુશ દવે, યશવંત પવાર અને તરુણ રાજપુરોહિતની ટીમ વિજેતા જાહેર થઈ હતી. જ્યારે પ્રિયાંશું ત્રિપાઠી, પ્રિયંકા મજુમદાર અને ધ્યાની પુરોહિતની ટીમ રનર્સ અપ બન્યા હતા.
બેસ્ટ મુટર તરીકે વૈષ્ણવી નાયડુ, બેસ્ટ રિસર્ચર તરીકે સૃષ્ટિ પાંડે તથા બેસ્ટ મેમોરિયલનો ખિતાબ હિના ભાવસાર, ભવનીત સીંગ્લા અને યામિની બિશ્વાસની ટીમે મેળવ્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે હાઇકોર્ટના એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ, એડવોકેટ સોનલબેન વ્યાસ, એડવોકેટ ઋત્વિજ ઓઝા, એલ.જે. સ્કૂલ ઓફ લૉના ફેકલ્ટી ડૉ. વિધિ શાહ તથા કોલેજના અધ્યાપકોએ ભૂમિકા ભજવી હતી.
વિદાય સમારંભ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી એડવોકેટ શ્રી હાર્દિક બ્રહ્મભટ્ટ દ્વારા કાયદાના ક્ષેત્રે પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્વ તથા પ્રવર્તમાન કાયદાકીય બાબતો વિશે વાત કરવામાં આવી હતી. એડવોકેટ સોનલબેન વ્યાસે પણ કાયદાના ક્ષેત્રે ઉપસ્થિત વિવિધ તકો અને એડવોકેટ કઈ રીતે સમાજમાં યોગદાન આપી શકે
તે બાબતે પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા. સદર કાર્યક્રમનું આયોજન ડૉ. એસ.પી.રાઠોર, કો ઓર્ડીનેટર તથા ડો. ભાવેશ ભરાડ, કો-કો ઓર્ડીનેટરના પ્રેરણાદાયક માર્ગદર્શન મુજબ શ્રી રવિ અધ્વર્યુંના નેતૃત્વ વાળી મુટ કોર્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.