લગ્નનો ખુશીનો માહોલ શોકમાં ફેરવાયોઃ યુવકની હત્યા
લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાની જીદ મામલે થયેલી તકરારમાં યુવકની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં લૂંટ, હત્યા, ફાયરિંગ સહિતના બનાવો વધી રહ્યા છે. ગુનેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે
સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર આવેલા મિયાણાવાડ વિસ્તારમાં એક યુવકની મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે એ-ડિવિઝન પોલીસે હત્યા નીપજાવનાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર આવેલ મિયાણાવાડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા દોસમહમદ ઉસ્માનભાઈ મેરની પૌત્રીના લગ્ન હોવાથી સગા સંબંધીઓ તેમજ પરિવારજનો એકત્ર થયા હતા અને રાત્રે ડી.જે.ના તાલે દાંડિયા રાસ રમી રહ્યા હતા
અને મોડી રાત્રે રાસગરબા પૂર્ણ થયા બાદ સૌ પરિવારજનો બેઠા હતા તે દરમિયાન કૌટુંબિક સગા થતા યુવક અશરફ ઉર્ફે અસરૂએ આવી ફરી ડી.જે. શરૂ કરી ગીત વગાડવાનું જણાવતા પરિવારજનોએ ઈન્કાર કરતા આ બાબતે ઝઘડો થતા મામલો ઉગ્ર બન્યો હતો.
જેમાં પાંચ જેટલા શખ્સોએ એકસંપ થઈ છરી અને લાકડાના ધોકા વડે યુવક અશરફને પેટના અને પગના ભાગે ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી હતી. તેમજ અન્ય યુવક આમિર ઉર્ફે ઢેગા અને યાસીનને પણ છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા નીપજાવી નાશી છૂટેલા શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે પાંચ શખ્સો રમજુ દાઉદભાઈ મોવર, ઝૂઝા જુમાભાઈ મેર, મુરાદ રહેમાનભાઈ મેર, આમીન રહેમાનભાઈ મેર અને દોસમહમદ ઉસ્માનભાઈ મેર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે નિકાહ દરમિયાન જ યુવકની હત્યાનો બનાવ બનતા સુખનો પ્રસંગ શોકમાં ફેરવાઈ જતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.