પ્રસાદના નામે પેંડા ખવડાવીને રીક્ષા ચાલકને લૂંટ કરનાર બંટી બબલી પકડાયા
(એજન્સી)અમદાવાદ, પેંડાનો પ્રસાદ ખવડાવીને લૂંટ કરતી બંટી બબલીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે. મોજશોખ કરવા અને પૈસા કમાવવા માટે આ પ્રેમી યુગલ રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરતી હતી.
ક્રાઇમ બ્રાન્ચે બંટી બબલીની ધરપકડ કરી ૩ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલ બંટી બબલીએ રીક્ષા ચાલકોની ઉંઘ હરામ કરી દીધી છે.
આરોપી રામ રાજ ઉર્ફે સોનું પરિહાર અને પ્રેમિકા મનીષા સોલંકીએ પેંડાનો પ્રસાદ ખવડાવીને અનેક રીક્ષા ચાલકો પાસેથી લૂંટ કરી હતી.
જેમાં મહિલા આરોપી મનીષા સોલંકી મુસાફર બનીને રિક્ષામાં બેસતી હતી. જે બાદ રીક્ષા ચાલકને નજીકના મંદિર લઈ જવાનું કહી લઈ જતી જે બાદ રીક્ષા ચાલકને મંદિર બહાર ઊભી રાખતી હતી
અને મંદિરે દર્શન કરીને નશીલા પેંડો પ્રસાદ કહીને ખવડાવતી હતી. રીક્ષા ચાલક બેભાન થઇ જતાં આ બંટી બબલી લૂંટ ચલાવી ફરાર થઈ જતાં હતાં.
મહત્વનું છે કે, આરોપી રામ રાજ ઉર્ફે સોનું રિક્ષાની પાછળ બાઈક લઈને આવતો હતો અને બંને બાઈક લઈને ફરાર થઈ જતાં હતાં. પકડાયેલ આરોપી રામરાજ તેની પ્રેમિકા મનીષા સોલંકી સાથે મળીને રીક્ષા ચાલકોને લુંટવાનો ટાર્ગેટ કરતા હતા. બે અઢી મહિના પહેલા આ બંટી બબલીએ લૂંટનો સિલસિલો શરૂ કર્યો હતો.
શહેરના જુદા જુદા વિસ્તારમાં જેમાં કે મણિનગર, સીટીએમ, કાંકરિયા, રખિયાલ અને મેઘાણીનગરમાં રીક્ષા ચાલકોની રેકી કરતા હતા. જે રીક્ષા ચાલકે સોના ચાંદીના દાગીના પહેર્યા હોય તેવા રીક્ષા ચાલકને ટાર્ગેટ કરતા હતા. મહિલા આરોપી મનીષા સોલંકી પેસેન્જર તરીકે બેસીને મંદિર દર્શન કરવાના બહાને જતી હતી.
જ્યારે આરોપી રામરાજ ઉંઘની દવાની ભેળસેળ કરી પેંડા બનાવતો હતો. આ પેંડાનું બોક્ષ મહિલા આરોપી મનીષાને આપતો હતો. જે મહિલા આરોપી રિક્ષામાં ચાલકને વિશ્વાસમાં લઈ વાતચીત કરી નજીકના કોઈ મંદિરમાં લઈ જતી હતી. જ્યાં મંદિર બહાર રીક્ષા ચાલકને ઉભો રખાવી અને આરોપી મહિલા પોતે દર્શન કરવાના બહાને મંદિરમાં જઈ બહાર આવીને પ્રસાદનો પેંડો રીક્ષા ચાલકને ખવડાવતી હતી.