AMCમાં કલાસ-૧ અધિકારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા લેવા માંગણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કલાસ-૧ ના અધિકારીઓની ભરતી માટે ઈન્ટરવ્યુ લેવામાં આવે છે ત્યારબાદ ઈન્ટરવ્યુ લેનાર અધિકારીઓ તરફથી જે રિપોર્ટ આપવામાં આવે છે તેના આધારે મ્યુનિ. કમિશ્નર સીલબંધ કવરમાં પસંદગી પામેલ ઉમેદવારોના નામ સ્ટાફ સિલેકશન કમીટી સમક્ષ મોકલે છે.
આ કમીટીમાં મેયર, સ્ટેન્ડીગ ચેરમેન વિપક્ષી નેતાનો સમાવેશ થાય છે. કલાસ-૧ અધિકારીની ભરતી પ્રક્રિયાની સીસ્ટમને ધ્યાનથી જાેવામાં આવે તો તેમાં સ્ટાફ સીલેકશન કમીટીનું કોઈ મહત્વ જ રહેતું નથી. કારણ કે કમિશ્નર તરફથી જે નામ રજુ કરવામાં આવે છે તેની પર સીધી મહોર મારવાની રહે છે
તેથી પસંદ થયેલા ઉમેદવારને કેટલા ગુણ આપવામાં આવ્યા છે કે કયા આધારે તેને પસંદ કરવામાં આવ્યા છે તેની કોઈ માહિતી ચુંટાયેલી પાંખ સમક્ષ રજુ કરવામાં આવતી નથી જેની સામે કલાસ-ર અને ૩ ના કર્મચારીઓની ભરતી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવે છે.
વિપક્ષ કોંગ્રેસે કલાસ-૧ અધિકારીઓની ભરતી માટે આ પધ્ધતિ અપનાવવા મુદ્દો ઉઠાવ્યો છે. મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ ના જણાવ્યા મુજબ સ્ટાફ સીલેકશન કમિટીમાં સ્ટાફ સીલેકશન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીમાં ઝુ સુપ્રીટેન્ડન્ટની ૧ જગ્યા, એડી. સીટી ઇજનેર (સીવીલ)ની ૩ જગ્યા તથા એડી. ચીફ ઇજનેર (લાઇટ )ની ૧ જગ્યા માટે નિમણુંક કરવા બાબતના કામો હતાં
આ તમામ જગ્યાઓ પૈકી ઝુ સુપ્રીટેન્ડન્ટની ૧ જગ્યા માટે કુલ ૩૭ ઉમેદવારો એડી. સીટી ઇજનેર (સીવીલ)ની ૩ જગ્યા માટે કુલ ૬૧ ઉમેદવારો એડી. ચીફ ઇજનેર (લાઇટ)ની ૧ જગ્યા માટે કુલ ૨૬ ઉમેદવારો હતાં તે તમામ ઉમેદવારોના માત્ર મૌખિક ઇન્ટરવ્યુ લઇને સીલેકશન કરવામાં આવેલ છે આ તમામ જગ્યાઓ કલાસ વન અધિકારી તરીકેની છે.
અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા હાલ કલાસ ૨ અને ૩ ની જગ્યાઓ માટે જેમ લેખિત પરીક્ષા લઇને મેરીટ મુજબ નિમણુંક આપવામાં આવે છે ત્યારે કલાસ ૧ ના અધિકારીઓની કેમ નહીં ? કલાસ ૧ ના અધિકારી કે જેઓ સક્ષમ અને અનુભવી હોવા જરૂરી નહી પરંતુ અનિવાર્ય પણ છે કારણ કે તેઓ દ્વારા લીધેલ વિવિધ ર્નિણયો,
તેઓની કામ કરવાની સુઝબુઝ, વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મેરીટ મુજબ જાે નિમણૂંક કરવામાં આવે તો સક્ષમ અધિકારી મળી રહે જેથી હવે પછી મ્યુ.કોર્પોની કલાસ ૧ થી માંડી ને કલાસ ૩ સુધીના તમામ પદો પર નિમણૂંક કરતાં પહેલાં કલાસ ૨ અને ૩ ની જગ્યાઓ માટે જેમ લેખિત પરીક્ષા લઇને મેરીટ મુજબ નિમણુંક આપવામાં આવે છે
તેવી જ રીતે કલાસ ૧ ના અધિકારીઓની નિમણુંક કરતાં પહેલાં લેખિત યોગ્ય પરીક્ષા લઇને મેરીટ મુજબ નિમણુંક આપવા કોંગી નેતા ઘ્વારા રજુઆત કરવામાં આવી હતી