Western Times News

Gujarati News

વડોદરાના “યુનાઇટેડ વે” ગરબામાં હર્ષ સંઘવીએ ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ વડોદરાના વિવિધ ગરબાઓની મુલાકાત લીધી

યુનાઇટેડ વે, એલવીપી, વીએનએફ, તાડફળી શેરી ગરબા સહિતના આયોજનોની મુલાકાત લઇ ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો

વડોદરા, ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ વડોદરા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઇને ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર દેશભરમાં પ્રસિદ્ધ એવા ગરબાઓની મુલાકાત લઇ તેમણે વડોદરાવાસીઓના પરંપરાપ્રેમને પણ બિરદાવ્યો હતો. Harsh Sanghvi cheered the players at the “United Way” Garba in Vadodara

શનિવારે મોડી રાતે વડોદરા આવેલા શ્રી સંઘવીએ પ્રથમ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત ગરબાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ કલાલી ખાતે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા હતા. અહીં એક સાથે હજારોની સંખ્યામાં હિલોળે ચઢેલા યુવાધનને જોઇને તેઓ પ્રસન્ન થઇ ઉઠ્યા હતા. પરંપરાગત ગરબા ગીતોના ગાયન સાથે વિવિધ પ્રકારની ચાલપદ્ધતિથી ગરબા રમતા જોઇને તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

એ જ પ્રકારે તેમણે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના ગરબા મહોત્સવની પણ મુલાકાત લીધી હતી અને ખેલૈયાના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબા મહોત્સવનું આયોજન થાય છે. અહીં પરંપરાગત પરિવેશમાં ગરબે ઘુમતા વડોદરાવાસીઓને જોઇ મંત્રીશ્રી પણ ઝૂમી ઉઠ્યા હતા.

આ ઉપરાંત તેમણે શીશુ ગરબા મહોત્સવ, તાડફળી શેરી ગરબા અને જય અંબે રાસ ગરબા અને કારેલી બાગ ગરબા મહોત્સવની પણ મુલાકાત લીધી હતી.

આ ગરબા પ્રસંગમાં મેયર શ્રી પિન્કીબેન સોની, ધારાસભ્ય અને મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી મનીષાબેન વકીલ તથા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઇ મિસ્ત્રી, વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર તથા આગેવાનો પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.