વેપારી પર છરીથી હુમલો કરી એક લાખની લૂંટ ચલાવનાર 6 ઝડપાયા
ભાવનગર, ન્યુ સિંધુનગરમાં રહેતા કિશોરભાઈ નાઉમઈલ આગીચા નામના વેપારી તા.ર૦/૧૦ના દુકાન બંધ કરી રૂ.૧ લાખની રકમ લઈને ઘેર જવા નીકળ્યા હતા. દરમ્યાન ઘર નજીક પહોચ્યા હતા. ત્યારે બે બાઈકમાં ચાર અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને વેપારી કિશોરભાઈ પર છરીથી હુમલો કરી રૂ.૧ લાખની મતાની લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.
આ બનાવ અંગે પોલીસે વેપારી કિશોરભાઈની ફરીયાદ પરથી ચાર અજાણ્યા શખ્સો સામે ગુનોનોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન પોલીસે બનાવ સ્થળ આસપાસ સહીતના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યા હતાં.
અને બાતમીના આધારે ભાવનગરના કરચલીયાપરામાં રહેતા મેહુલ ઉર્ફે જાડીયો ભરત રાઠોડ, વિશાલ ઉર્ફે ડી ભરત ચૌહાણ હરેશ ઉર્ફે હરીયો રમેશ બારેયા હાદિર્ક ઉર્ફે મટક રમેશ પરમાર આકાશ મનસુખ પરમાર અને કિશન ઉર્ફે ગીડો રમેશ વેગડને ઝડપી લીધા હતા. પોલીસે બે બાઈક અને છરી કબજે કર્યા હતા.
પોલીસની પ્રાથમીક તપાસ અને પુછતાછમાં ચારેય લુંટારૂઓએ અન્ય બે સાગરીતો મારફત વેપારી કિશોરભાઈના પીછો કરી રસ્તામાં બાઈક અથડાવી હુુમલો કર્યા બાદ લુંટ ચલાવી નાસી છૂટયા હતા. પોલીસે છએ લુંટારુઓને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.