ખેતીના કામે બોલાવી કેનાલમાં ધક્કો મારી દઈને કાયમનો કાંટો કાઢયો
ભાભરના ખારી પાલડીના લાપત્તા યુવકની કેનાલમાં ધક્કો મારી હત્યા કર્યાનું ખુલ્યું-આરોપીની સાસુ સાથે મૃતક આડા સંબંધ ધરાવતો હોવાથી હત્યા કર્યાનું કબૂલ્યું
ભાભર, ભાભર તાલુકાના ખારીપાલડી ગામના યુવકની ગત એક ઓકટોબરના રોજ ગુમ થયો હતો જેની લાશ મળી આવી હતી, જેમાં પોલીસે તપાસ કરતાં ગુમ યુવકની કેનાલમાં ધક્કો મારીને હત્યા કરાઈ હોવાનું ખુલતાં પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. સમગ્ર કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપીની સાસુ સાથે મૃતકના આડા સંબંધો હોવાથી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું કબુલ્યું હતું.
મળતી માહિતી મુજબ ખારીપાલડી ગામના વિનોદભાઈ રામાજી ઠાકોર (ઉ.વ.આ.૩૪) ગત એક ઓકટોબરના રોજ ભાભર તાલુકાના ભડવેલ ગામે જુવાર કાપવા માટે જઈ રહ્યો હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. જાેકે તે ઘરે પરત ન ફરતાં યુવકના પરિવારજનોએ ભાભર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ દિયોદર પોલીસ સ્ટેશને કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જયારે ખારી પાલડીના યુવકના પરિવારજનોને અજાણ્યાય ુવકની લાશ મળ્યાની જાણ થતાં તેઓ દોડી ગયા હતા. જયાં તપાસ કરતા લાશ અને શરીર પરનાં કપડા તેમજ અન્ય ટેટુની નિશાનીઓ પરથી મૃતકની ઓળખ કરી વિનોદજી રામાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ ભાભર પી.એસ.આઈ. એન.વી. રહેવર તથા પોલીસના માણસો ગુમ યુવકની તપાસ કામગીરીમાં હોઈ આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને શકમંદોની પુછપરછ શરૂ કરી હતી જેમાં ગેલાજી કાળુજી ઠાકોર (મૂળ રહે. કારેલા, તા.ભાભર, હાલ રહે, ભડવેલ)ની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તેણે વિનોદભાઈને જુવાર કાપવાના બહાને ભડવેલ બોલાવ્યો હતો.
વિનોદ ગલાજીની સાસુ સાથે આડા સંબંધ ધરાવતો હોઈ વિનોદ સામે રોષ હતો. આથી તેને મુખ્ય કેનાલના ફાફરાળી પુલ પાસે વાતોમાં વાળી પાછળથી ધક્કો મારીને મારી નાખ્યો હોવાનું કબુલ્યું હતું. આથી પોલીસે ગલાજીને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે દિયોદર પોલીસને સોંપ્યો હતો.