નાગરિક સુધાર બિલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
મુસ્લિમ લીગ સહિત બિલનો વિરોધ કરનારા તમામ પક્ષો ધાર્મિક આધાર પર બિલને વિભાજનકારી ગણે છેઃ રિપોર્ટ |
નવીદિલ્હી, નાગરિક સુધારા બિલ ૨૦૧૯ની બંધારણીયતાને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેરળના રાજકીય પક્ષ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. રિટ પિટિશન દાખલ કરીને બિલને પડકાર ફેંકવામાં આવ્યો છે. મુસ્લિમ લીગ સહિત વિરોધ કરનાર તમામ રાજકીય પક્ષો આને ધાર્મિક આધાર પર વિભાજનકારી ગણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને બુધવારે લાંબી ચર્ચા ચાલ્યા બાદ લીલીઝંડી મળી ગઈ હતી. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ એક મોટી સિદ્ધિ અને મોટી સફળતા હાંસલ કરી લીધી હતી.
ભારે ચર્ચા અને વિવાદ જગાવનાર બિલ રાજ્યસભામાં પાસ થયા બાદ એકબાજુ ભાજપ અને સાથી પક્ષોના કાર્યકરોએ જારદાર ઉજવણી કરી હતી જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ આની નિંદા કરી હતી.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા બિલ પાસ થવાની બાબત ભારત માટે કાળા દિવસ તરીકે છે.રાજ્યસભામાં બિલની તરફેણમાં ૧૨૫ અને વિરોધમાં ૧૦૫ મત મળ્યા હતા. શિવસેનાએ વોકઆઉટ કર્યો હતો.
આ બિલની તરફેણમાં અને વિરોધમાં કેટલા મત પડે છે તેને લઇને ભારે ચર્ચા જાવા મળી હતી. બિલ ઉપર મતદાનથી પહેલા તેને સિલેક્ટ કમિટિને મોકલવાને લઇને પણ મતદાન થયું હતું પરંતુ આ પ્રસ્તાવ પણ ઉડી ગયો હતો. સિલેક્ટ કમિટિને આ બિલ મોકલવાની તરફેણમાં માત્ર ૯૯ મત પડ્યા હતા જ્યારે ૧૨૪ સાંસદોએ આની વિરુદ્ધમાં મત આપ્યા હતા. આ ઉપરાંત સુધારાના ૧૪ પ્રસ્તાવો ઉડી ગયા હતા.