જેવું કરશો તેવું પામશો: કરેલા પાપોની સજા ભોગવવાનો સમય આવે છે
કોઇપણ મનુષ્ય પોતાનાથી થયેલ પાપોને છુપાવવા ગમે તેટલો પ્રયત્ન કરે તેમછતાં તેને છુપાવી શકતો નથી. જ્યારે કરેલ પાપોની સજા ભોગવવાનો સમય આવે છે ત્યારે ભલભલાની અક્કલ ઠેકાણે આવી જાય છે અને પોતે કરેલ પાપો યાદ આવે છે કે મેં કોની સાથે શું કર્યું હતું એટલે હંમેશાં એક વાત યાદ રાખજાે કે જે કરશે તે ભોગવશે. આપણે બધા એ જગતના માલિક પ્રભુ-પરમાત્માના શરણમાં છીએ.
જ્યારે અમે એક પ્રભુ-પરમાત્માની શરણમાં છીએ,સદગુરૂ શરણમાં જઇને એક પ્રભુને જાણ્યા છે, પ્રભુને માનીએ છીએ તો અમારે સર્વ કંઇ પરમાત્માની ઉપર છોડી દેવું જાેઇએ..જાે કોઇ વ્યક્તિ પોતે પોતાને ઇશ્વરથી મોટો સમજે છે અને બીજાઓની બેઇજ્જતી કરે છે કે પોતાની માન-મોટાઇ અને અહંકારવશ બીજાઓનું અપમાન કરે છે તેને તેના કરેલા કર્મોનું ફળ એક દિવસ અવશ્ય મળે જ છે.કુદરતના દરબારમાં દેર છે પરંતુ અંધેર નથી.
જેવું વાવ્યું છે તેવું જ સામે આવવાનું છે.જેવાં કર્મો કરીશું તેવા ફળ ભોગવવાં જ પડવાનાં છે હવે ર્નિણય આપણે કરવાનો છે. મનુષ્ય પોતાના કર્મોનું જ ફળ પામે છે.કર્મનું ફળ કેવી રીતે મળે છે તેના વિશે એક પ્રસંગ જાેઇએ. એક દિવસ એક રાજાએ પોતાના ત્રણ મંત્રીઓને દરબારમાં બોલાવીને ત્રણેને આદેશ આપે છે કે એક એક થેલો લઇને બગીચામાં જાઓ અને ત્યાંથી સારા સારા ફળ ભેગા કરીને લઇ આવો.
ત્રણે મંત્રીઓ અલગ અલગ બગીચામાં પ્રવેશ કરે છે. પહેલા મંત્રીએ એવો પ્રયત્ન કર્યો કે રાજાના માટે તેમની પસંદગીના સારામાં સારા રસદાર મીઠા ફળ ભેગા કરવામાં આવે.ઘણી જ મહેનત પછી ઘણા જ સારા અને તાજા ફળોથી થેલો ભરી દે છે.બીજા મંત્રીએ વિચાર્યું કે રાજા તમામ ફળોનું પરીક્ષણ તો કરવાના નથી એટલે ઉતાવળથી થેલો ભરવા લાગ્યો,જેમાં કેટલાક તાજા તો કેટલાક કાચા અને સળી ગયેલા ફળથી થેલો ભરી દીધો.
ત્રીજા મંત્રીએ વિચાર્યું કે રાજાની નજર તો ફક્ત ફળ ભરેલા થેલા ઉપર જ રહેવાની છે,થેલો ખોલીને રાજા જાેવાના નથી કે અંદર ફળ કેવા છે? તેથી તેને સમય બચાવવા જલ્દી જલ્દી થેલામાં ઘાસ અને પાંદડાં ભરી દીધાં.
બીજા દિવસે રાજાએ ત્રણે મંત્રીઓને તેમના થેલા સાથે દરબારમાં બોલાવ્યા અને થેલા ખોલીને જાેયું પણ નહી અને આદેશ આપ્યો કે ત્રણે મંત્રીઓને પોતપોતાના થેલા સહિત દૂર આવેલી એક જેલમાં પંદર દિવસ માટે પુરી દેવામાં આવે.હવે જેલમાં તેમના ખાવા-પીવા માટે કોથળામાંના ફળ સિવાય કોઇ વ્યવસ્થા નહોતી તેથી જે મંત્રીએ સારામાં સારા ફળ ભેગા કર્યા હતા તે આરામથી ફળ ખાઇને પંદર દિવસ પસાર કરી દીધા.
બીજા મંત્રી કે જેને કેટલાક તાજા અને કેટલાક કાચા અને સડેલા ફળ ભેગા કરીને કોથળો ભર્યો હતો તેને કેટલાક દિવસ સુધી તાજા ફળ ખાધા પછી તેને ખરાબ અને સડેલા ફળ ખાવા પડ્યા તેથી તે બિમાર પડી જાય છે અને ઘણી જ તકલીફ સહન કરે છે અને ત્રીજાે મંત્રી કે જેને કોથળામાં ફક્ત ઘાસ અને પાંદડાં જ ભેગા કર્યા હતા તે કેટલાક દિવસ બાદ ભૂખના કારણે મરી જાય છે.
હવે આપણે પોતાની જાતને પુછવાનું છે કે અમે શું જમા કર્યું છે? અમે અત્યારે જીવનના બાગમાં છીએ,જ્યાં ધારીએ તો સારા કર્મો જમા કરાવી શકીએ છીએ અને ધારીએ તો ખરાબ કર્મો જમા કરી શકીએ છીએ પરંતુ એ યાદ રાખવાનું છે કે આપણે જે જમા કરીશું તે જ આપણને જન્મો-જન્મ સુધી કામ આવવાનું છે. -વિનોદભાઇ માછી નિરંકારી