ભારતના ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ ગુજરાતમાં કેમ આવી છે જાણો છો?
ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને તેને સંલગ્ન ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું
ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી તથા અન્ય ચાર વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે 25 અને 26મી ઑક્ટોબર, 2023 દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ, ફોટાવાળી મતદારયાદીની હાલની સ્થિતિ અને ચૂંટણી તૈયારીઓ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હ્રદેશકુમાર, અગ્ર સચિવશ્રી એસ.બી. જોશી, સચિવશ્રી પવન દિવાન, સચિવશ્રી સત્યજીત ધૉષ અને ઉપસચિવશ્રી અનિલકુમાર દ્વારા તા.25 ઑક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ભારતના ચૂંટણી પંચની ટીમના અધિકારીશ્રીઓને ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને તેને સંલગ્ન ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ ફરી રાજ્યમાં થયેલી કામગીરી અને આગામી આયોજન અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.
તા. 26 ઑક્ટોબરના રોજ ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી લોકસભા મતવિસ્તારવાર તૈયારીઓની માહિતી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરવાની કામગીરી ઉપરાંત EVMના ફર્સ્ટ લેવલ ચૅકિંગ, PwD, વયસ્ક અને થર્ડ જેન્ડર મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ,
ફોટો ઓળખકાર્ડ (EPIC), મતદાન મથકો પર પૂરી પાડવાની સુવિધાઓ, 1950 ટોલ ફ્રી નંબરની સુવિધા નંબર જેવી બાબતો અંગે ઝીણવટભરી ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા આ અંગેના પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા.
નાયબ ચૂંટણી કમિશનરશ્રી દ્વારા 18-19 વયજૂથ અને 20-29 વયજૂથના મતદારોનો સમાવેશ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અશોક પટેલ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.