Western Times News

Gujarati News

પત્નિને ૪૯ મહિના ભરણ પોષણ નહીં ચૂકવનાર પતિને ૧૪૭૦ દિવસની કેદ

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ રહેતી પત્નીને ૪૯ મહિના સુધી ભરણ પોષણ નહીં ચુકવનાર મહેસાણાના પતિને કોર્ટે ૧૪૭૦ દિવસની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે પતિ હાજર ન રહેતા તેનું વોરંટ ઈશ્યુ કરી મહેસાણા જિલ્લા પોલીસવડાને નિર્દેશ આપ્યો છે કે, પતિને ઝડપી જેલમાં મોકલી આપવો, આ સાથે કોર્ટે ચુકાદામાં નોંધ મુકી હતી કે, પતિએ મહિને ૮૦૦૦ લેખે ૪૯ મહિના એટલે ૩.૯ર લાખ પત્નિને ચુકવ્યા નથી, પતિ સુનાવણીમાં પણ હાજર રહ્યો નથી ત્યારે તેને વધુ સમય આપવો ન્યાયોચિત જણાતો નથી.

શહેરના કાંકરીયા ખાતે રહેતી ખુશ્બુ દરજીના લગ્ન મહેસાણા જિલ્લાના વસઈ ગામે રહેતા દેવાંગ દરજી સાથે થયા હતા. જાેકે બંને વચ્ચે મનમેળ ન રહેતા ખુશ્બુ અમદાવાદ પિયર આવી ગઈ હતી. બીજી તરફ ખુશ્બુએ ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેમાં કોર્ટે દર મહિને આઠ હજાર રૂપિયા ભરણ પોષણ ચુકવી આપવા આદેશ કર્યો હતો.

જાેકે પતિએ ૪૯ મહિના સુધી પત્નીને ભરણપોષણ આપ્યું જ ન હતું. જેથી ખુશ્બુએ એડવોકેટ સંદીપ ક્રિષ્ટી મારફતે રિકવરી અરજી કરી હતી, જેમાં એવી દલીલ કરી હતી કે, કોર્ટે વર્ષ ર૦૧૮માં ૮૦૦૦ ભરણ પોષણ ચુકવવા આદેશ કર્યો હતો, પરંતુ એક પણ મહિનો પતિએ ભરણ પોષણ ચુકવ્યું નથી. હવે ૪૯ મહિનાના ભરણપોષણ પેટે ૩.૯ર લાખ ચડયા છે છતાં પતિએ પૈસા આપ્યા નથી. તેને નોટિસની બજવણી થઈ ગઈ હોવા છતાં તે કોર્ટમાં હાજર રહ્યો નથી તેથી આ મામલે કોર્ટે યોગ્ય આદેશ કરવો જાેઈએ.

આવી રજૂઆત બાદ કોર્ટે પતિને ૧૪૭૦ દિવસની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લા પોલીસ વડાએ વોરંટની બજવણી કરી પતિને જેલમાં મોકલી આપવા નિર્દેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.