Western Times News

Gujarati News

૪૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાનની બે કિડની અને લિવરનું દાન

સુરત, દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. સચિન ખાતે રહેતા ૪૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાન આદિત્ય કુર્મીના બે કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યકિતઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના સચિનની સાંઈનાથ સોસાયટી, કનકપુર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની ૪૫ વર્ષીય આદિત્ય કુર્મી તા.૨૬ ઓકટોબરના રોજ રાત્રે ૧૦ઃ૪૬ વાગે ઘર માટે સામાન લેવા બાઈક પર જતા હતા ત્યારે બાઈક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં ૧૦૮ એમ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ત્રણેક દિવસની સારવાર બાદ તા.૨૯મી ઓકટોબરે સાંજે ૦૪ઃ૧૫ વાગે આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ડો. નિલેશ કાછડિયા, ડૉ.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આદિત્ય કાપડની ધાગાની કંપની કામ કરતા હતા. તેમના પત્નિ ગુડ્ડી દેવી તથા બે ભાઈઓને ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને ર્નિમલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું.

જેથી પરિવારજનોએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે ૨ કિડની અને લીવર એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ કુર્મી પરિવારના બ્રેઈનેડેડ આદિત્ય કુર્મીના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સ્વ. આદિત્યા કુર્મીને ૧ પુત્રી ખુશી છે.

આમ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે ૪૮મું સફળ અંગદાન થયું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ સતત આ પ્રકારના કાર્યક્રમ તથા હવે લોકોમાં વધુ જાગૃતિ આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.