Western Times News

Gujarati News

7.50 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારેલા 66 લક્ઝરી બ્રાન્ડ્સ સાથે જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ

ભારતમાં ટોપ-એન્ડ રિટેલ અને મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે.

મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન સાથે પ્લાઝા એકીકૃત રીતે જોડાયેલું છે, જેનાથી તે મુલાકાતીઓ માટે સરળતાથી મુલાકાત લઈ શકાય તેવું સ્થળ બની રહેશે. Jio World Plaza Opens in Mumbai, setting the bar for top-end retail and entertainment experiences in India”.

પ્લાઝાના પ્રારંભ વિશે બોલતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયો વર્લ્ડ પ્લાઝાની અમારી કલ્પનાનો હેતુ શ્રેષ્ઠ વૈશ્વિક બ્રાન્ડને ભારતમાં લાવવાનો તેમજ ટોચની ભારતીય બ્રાન્ડ્સના કૌશલ્ય તથા કારીગરી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો; અને તેના થકી એક ખૂબ જ અનોખો રિટેલ અનુભવ તૈયાર કરવાનો છે. ઉત્કૃષ્ટતા, નવીનતા અને ગ્રાહક અનુભવને વધારવાની અમારી ધગશ અમને દરેક સાહસમાં આગળ ધપાવી રહી છે.”

આ પ્લાઝા રિટેલ, લેઇઝર અને ડાઇનિંગ માટે એક વિશિષ્ટ હબ બને તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 7,50,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ચાર લેવલમાં ફેલાયેલું આ પ્લાઝા, અહીં 66 લક્ઝરી બ્રાન્ડ્સની પ્રભાવશાળી શ્રેણી ધરાવે છે. ભારતીય બજારમાં નોંધપાત્ર રીતે આવનારી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાં બેલેન્સિયાગા, જ્યોર્જિયો અરમાની કેફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, ઇએલએન્ડએન કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે.

વેલેન્ટિનો, ટોરી બર્ક, વાયએસએલ, વર્સાચે, ટિફની, લાડુરી અને પોટરી બાર્નના પ્રથમ સ્ટોર્સનું મુંબઈમાં સ્વાગત છે, જ્યારે મુખ્ય ફ્લેગશિપ્સમાં લુઈસ વિટન, ગુચી, કાર્ટિયર, બેલી, જ્યોર્જિયો અરમાની, ડાયો, વાયએસએલ અને બલ્ગારી જેવી અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડનો સમાવેશ થાય છે.

જે.ડબ્લ્યૂ.પી.માં મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગુની અને શેન પીકોક તથા આરઆઇ બાય રિતુ કુમાર જેવા પ્રખ્યાત ડિઝાઇનરોના સ્ટોર પણ છે.

કમળના ફૂલ અને કુદરતના અન્ય તત્વોથી પ્રેરિત પ્લાઝાનું માળખું યુનાઇટેડ સ્ટેટ્સમાં મુખ્ય મથક ધરાવતી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ ટીવીએસ અને રિલાયન્સ ટીમ વચ્ચેના સહયોગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. શોપિંગના આ મહાકૂંભમાં શિલ્પ સ્તંભો કાળજીપૂર્વક મૂકવામાં આવ્યા છે જે આ સ્થળના મનોરમ્ય દૃશ્યમાં એવી રીતે ગૂંથાયેલા છે કે જોનાર દંગ રહી જાય. માર્બલથી ઢંકાયેલું ભોંયતળિયું, ઊંચી તિજોરી જેવી લાગતી છત અને ખાસ સૌમ્ય લાઇટિંગનું કળાત્મક પરિદૃશ્ય એક બેકડ્રોપ તૈયાર કરવા માટે સુમેળભર્યું બની રહે છે અને તે ભવ્યતાનું ઉદાહરણ પણ આપે છે.

ઈશા અંબાણીના માર્ગદર્શક વિઝન હેઠળ જે.ડબ્લ્યૂ.પી.ની કલ્પનાના મૂળમાં ગ્રાહક અનુભવ સમાયેલો છે. ફર્સ્ટ લેવલ પર મુલાકાતીઓને આવકારતા જિતિશ કલ્લાટ દ્વારા તૈયાર કરાયેલા સમકાલીન શિલ્પથી માંડીને ત્રીજા લેવલ પર મનોરંજક અનુભવોમાં મલ્ટીપ્લેક્સ થિયેટર અને કાળજીપૂર્વક ક્યુરેટેડ ગોર્મે ફૂડ એમ્પોરિયમ તેમજ વર્લ્ડ-ક્લાસ રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે.

આમ આ પ્લાઝાનો ઉદ્દેશ્ય ગ્રાહકોને અનોખો અનુભવ પૂરો પાડવાનો છે. પર્સનલ શોપિંગ આસિસ્ટન્સ, વી.આઇ.પી. સહાયક, ટેક્સી-ઓન-કોલ, વ્હીલચેર સેવાઓ, બેગેજ ડ્રોપ સાથે હેન્ડ્સ-ફ્રી શોપિંગ, બટલર સેવા અને બેબી સ્ટ્રોલર્સ જેવી સેવાઓ પ્લાઝાની ગ્રાહક પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ઉમેરો કરે છે.

ઇશા અંબાણી કહે છે કે, “જિયો વર્લ્ડ પ્લાઝા રિટેલ ડેસ્ટિનેશન કરતાં અનેક ગણું વિશેષ છે; તે સૌંદર્ય શાસ્ત્ર, સંસ્કૃતિ અને આરામપ્રમોદનું મૂર્ત સ્વરૂપ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.