Western Times News

Gujarati News

ટ્રાફિકને નડતરરૂપ બનતાં રોડ પર ઉભેલાં 40 વાહનોને લોક કરાયા

ઝગારા શો-રૂમ ફૂટપાથ ઉપર કચરો ફેંકવા બદલ સીલ

કેશવબાગથી પકવાન સર્કલ સુધીના રોડની બંને બાજુ એ.એમ.સી.એ સપાટો બોલાવ્યો

(એજન્સી) અમદાવાદ, હાઈકોર્ટના કડક નિર્દેશ મુજબ સમગ્ર શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ટ્રાફિક ઝુંબેશ ચલાવાઈ રહી છે. રોડ પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ બનતા વાહન સહિતના દબાણોનેતંત્ર હટાવી રહ્યું છે. ઉત્તર પશ્ચિમ ઝોનના પોશ ગણાતા બોડકદેવ વોર્ડના કેશવબાગથી પકવાન સર્કલ સુધીના રોડની બંને બાજુએ અ.મ્યુ.કો. સત્તાવાળાઓએ સપાટો બોલાવ્યો છે. 40 vehicles standing on the road were locked due to traffic congestion

ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો મુકાતાં આવ્યા છે, ખાસ કરીને ફોર વ્હીલરચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના વાહન પાર્ક કરતા અવ્યા છે. આવા ફોર વ્હીલરચાલકો ખરીદી કે અન્ય કોઈ કામકાજ માટે ઘર બહાર નીકળે તો પોતાના ફોર વ્હીલરને રોડના ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ બને તેવી રીતે પાર્ક કરીને નીકળી જાય છે. આ અંગે વારંવાર ફરિયાદો ઉઠતી હોઈ મ્યુનિ. સત્તાવાળાઓના એસ્ટેટની ટીમે આજે ટ્રાફિક પોલીસ સહીતના વિભાગોની મદદ લઈને સવારથી કેશવબાગથી પકવાન સર્કલ સુધીના વિસ્તારમાં ખાસ સંયુકત ડ્રાઈવ હાથ ધરી હતી.

સવારના ૧૦ વાગ્યા સુધીમાં એસ્ટેટ વિભાગની ટીમે રોડ પર આડેધડ પાર્ક કરાયેલાં કુલ ૪૦થી વધુ વાહનોને તાળા મારી દીધા હતા આ વાહનો પૈકી મોટાભાગના ફોર વ્હીલર છે. આ વાહનચાલકો પાસેથી પ્રત્યેક વાહનદીઠ રૂા.પ૦૦ની પેનલ્ટી વસૂલાશે તેમ એસ્ટેટ વિભાગના વડા હેમાબહેન જણાવે છે.

આ ઉપરાંત ગોયલ પ્લાઝા સામે આવેલી એક ધાર્મ્ક પ્રકારની દેરી ફરતે કરાયેલી કમ્પાઉન્ડ વોલને પણ દૂર કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા કનકસિંહ રોહડિયા કહે છે કે પ્રેમચંદનગર રોડ પર આવેલા ઝગારા શો-રૂમને ફૂટપાથ પર માટી-પૂરણી અને કચરો વગેરે ભેગા કરીને ન્યૂસન્સ કરવા બદલ તાળાં મારી દેવાયા છે.

આ ઉપરાંત એ-વન, પારિજાત બંગલાના માર્જિનમાં કરેલી દુકાનની બહાર આવેલી ફૂટપાથ ઉપર ન્યૂસન્સ અને ગંદકી જાેવા મળતાં આ દુકાનને પણ તંત્ર દ્વારા તાળાં મારી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જજીસ બંગલો રોડ પર આવેલી મેલ્ટ ઈન આઈસક્રીમ નામની દુકાનને પણ ફૂટપાથ ઉપર માટી-પૂરણી સાથે રિનોવેશન વેસ્ટનો કચરો ભેગો કરી ન્યૂસન્સ ફેલાવવા બદલ સીલ કરાઈ છે.

કેશવબાગથી પકવાન સર્કલ સુધીના રોડની બંને બાજુ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ત્રાટકતા રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરનારા ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જાહેરમાં કચરો ફેંકી ન્યૂસન્સ ફેલાવતા ધંધાકીય એકમોમાં પણ સવારે છથી વધુ એકમને તંત્રે તાળાં મારી દેતા તંત્રનો ભારે ડર વ્યાપી ગયો છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સવારે યોજાયેલી આ સંયુક્ત ડ્રાઈવની લોકોએ પ્રશંસા કરી છે. આ પ્રકારની ડ્રાઈવ તંત્રએ સમયાંતરે યોજવી જાેઈએ એવી પણ લોકલાગણી જાેવા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.