પ્રાથમિક શાળામાં 9મીથી 29મી નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન
તારીખ ૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે-પ્રાથમિક વિભાગના બાળકોને ૨૧ દિવસનું વેકેશન મળશે
(એજન્સી)ગાંધીનગર, પ્રાથમિક વિભાગમાં ધોરણ ૩થી ૮ના બાળકોની પ્રથમ સત્રાંત પરીક્ષા અંતિમ ચરણ તરફ છે. તેમાં ધોરણ ૩થી ૫ના બાળકોની પરીક્ષા અને ધોરણ ૬થી ૮ના બાળકોની પરીક્ષા શનિવારે પૂરી થઈ છે. જ્યારે સત્ર સમાપ્તિની તારીખ ૮મી નવેમ્બર નિયત કરાયેલી હોવાથી તારીખ ૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે. હવે ચાર દિવસ બાદ પ્રાથમિક વિભાગના બાળકોને ૨૧ દિવસનું વેકેશન મળશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ, પ્રથમ શૈક્ષણિક સત્ર ૧૨૪ દિવસનું નિયત કરવામાં આવ્યું હતું. જેનો તારીખ ૫મી જૂને પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તારીખ ૮મી નવેમ્બરે પૂર્ણ થશે. આ દરમિયાન જૂન મહિનામાં ૨૨ દિવસ, જૂલાઈ મહિનામાં ૨૫ દિવસ, ઓગષ્ટ મહિનામાં ૨૪ દિવસ, સપ્ટેમ્બર મહિનામાં ૨૩ દિવસ, ઓક્ટોબર મહિનામાં ૨૩ દિવસ અને નવેમ્બર મહિના માટે ૭ શૈક્ષણિક દિવસો નિયત કરવામાં આવ્યાં હતાં.
આ દરમિયાન ગત તારીખ ૨૬મી ઓક્ટોબરથી ધોરણ ૩થી ૮ના બાળકોની પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ ૪થી નવેમ્બરે પૂરી થવાની છે. બસ તેની સાથે બાળકો માટે તો વેકેશનનો માહોલ શરૂ થઈ જવાનો છે. પરંતુ સત્તાવાર વેકેશન તારીખ ૯મીથી જાહેર કરવામાં આવ્યું છે.
સ્વાભાવિક રીતે પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ પણ બાળકોના દિવાળી વેકેશનની રાહ જાેઈ રહ્યાં છે. વૈશ્વિક બીમારી કોરોના દૂર થયાના પગલે પરિવારો દ્વારા વેકેશનમાં પ્રવાસના આયોજન કરવામાં આવ્યાં છે. ત્યારે તારીખ ૯મીથી તારીખ ૨૯મી નવેમ્બર સુધી ૨૧ દિવસના વેકેશન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે આ ચાર દિવસ ફટાફટ નિકળે એના ઇન્તજારમાં વિદ્યાર્થીઓ છે.