વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૫૨ સ્થળોએ સફાઇ કરી 8028 કિલો કચરાનો કરાયો નિકાલ
જિલ્લાના વિવિધ ગામોમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં ૪૦ હજાર ઉપરાંત નાગરિકોએ કર્યું શ્રમદાન
વડોદરા, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ચાલી રહેલું સ્વચ્છતા હી સેવા અભિયાન રંગ લાવી રહ્યું છે. ગામે ગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે.
વડોદરા શહેર જિલ્લામાં આજે સ્વચ્છતા અભિયાન હેઠળ ગામ,તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેલી સરકારી કચેરીઓની ખાસ સફાઈ કામગીરી કરી સ્વચ્છતા રવિવારની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, વહીવટી શાખા, પીએમવાય શાખા, અને એકાઉન્ટ શાખામાં રેકોર્ડ વર્ગીકરણની કામગીરી,સહિત ગ્રામ,
તાલુકા પંચાયત કચેરીઓની વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી.જેમાં સરકારી અધિકારી અને કર્મયોગીઓ પણ જોડાઈ શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રેકોર્ડ વર્ગીકરણ,જૂના રાચરચીલાના નિકાલ, કચેરી સહિત આસપાસના વિસ્તારોની સફાઈની કામગીરી કરવામાં આવી હતી.વડોદરા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સરકારી કચેરીઓની સાફ સફાઈ સહિત રેકોર્ડ વર્ગીકરણની કામગીરી ચાલી રહી છે.
આ અભિયાન હેઠળ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૫૨ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૮૦૨૮ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઇ ઝૂંબેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ૪૦ હજાર ઉપરાંત નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.