કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અંતર્ગત કાર્યવાહી, પ્રક્રિયા, વળતર અને કાયદાની જોગવાઈઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું
અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના CRCના તમામ BRCને કાયદાકીય માહિતી પૂરી પાડવામાં આવી
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સાણંદ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં હાજર લોકોને મહિલાઓને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ, 2013 અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જાતીય સતામણીના આરોપમાં કોની સામે ફરિયાદ થઈ શકે તથા તેની કાર્યવાહી, પ્રક્રિયા, વળતર અને કાયદાનું અમલીકરણ કેવી રીતે કરી શકાય તેના ઉપર હાજર પ્રવક્તાઓ દ્વારા તાલીમાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કાયદાને લગતી ‘પ્રતિકાર’ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
મહિલાઓ કામ કરતી હોય તેવા કોઈ પણ સ્થળે, દાખલા તરીકે કચેરી, શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે જગ્યાએ મહિલાઓ પર જાતીય સતામણી થાય જેમકે તેમને શારીરિક રીતે છેડછાડ કરવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે, જાતીય માંગણી અથવા વિનંતી કરવામાં આવે, જાતીય શબ્દોનો પ્રયોગ સાંકેતિક કે અસાંકેતિક રીતે વ્યક્ત કરવામાં આવે, અશ્લીલ સાહિત્ય, MMS કે SMS બતાવવામાં આવે, મહિલાઓને સ્વીકૃત ન હોય તેવું
કોઈ પણ પ્રકારનું શારીરિક, શાબ્દિક કે સાંકેતિક વર્તન કરવું… તેને આ કાયદા હેઠળ જાતીય સતામણી માનવામાં આવે છે, તેવી કાયદાને લગતી તમામ જાણકારી મહિલાઓને આપવામાં આવી હતી. મહિલાઓ કાયદાકીય રીતે સજગ બની પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરે તે હેતુસર માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગદર્શક સેમિનારમાં કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ, 2013ના સર્ટિફાઇડ ટ્રેનર અને વક્તા શ્રી ઉત્તમભાઈ શર્મા દ્વારા સમગ્ર જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી વૃતિકાબહેન વેગડા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશભાઈ સોલંકી, સ્પેશિયાલિસ્ટ ઈન ફાઇનાન્સ લીટરસી શ્રી હેમલબહેન બારોટ, સમગ્ર શિક્ષણ અભિયાનના કો-ઓર્ડીનેટર કાજલબહેન અને અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના CRC(ક્લસ્ટર રિસોર્સ સેન્ટર)ના તમામ BRC (બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર) હાજર રહ્યા હતા.