બેંક ઓફ ઈન્ડિયાએ FY2023-24 Q2ગાળામાં રૂ. 1,458 કરોડનો ચોખ્ખો નફો કર્યો
જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક, બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,458 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 960 કરોડ હતો. ઓપરેટિંગ પ્રોફિટ વાર્ષિક ધોરણે 11% સુધરીને નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 3,756 કરોડ પર રહ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 3,374 કરોડ હતો.
ચોખ્ખી વ્યાજ આવક (એનઆઈઆઈ) વાર્ષિક ધોરણે 13% સુધરી છે અને નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,740 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 5,083 કરોડ હતી. બિન-વ્યાજ આવક વાર્ષિક ધોરણે 19% વધી છે અને નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,417 કરોડની સામે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,688 કરોડ થઈ છે.
એનઆઈએમ (ગ્લોબલ) નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં 3.04% સામે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 4 બેસિસ પોઇન્ટ્સ વધી 3.08% થયો હતો. વૈશ્વિક વ્યાપાર વાર્ષિક ધોરણે 9.25% વધીને સપ્ટેમ્બર 2022માં રૂ. 11,41,356 કરોડથી સપ્ટેમ્બર 2023માં રૂ. 12,46,879 કરોડ થયો છે. ડોમેસ્ટિક ડિપોઝિટ સપ્ટેમ્બર 2022માં રૂ. 5,51,401 કરોડથી 8.61% વધીને સપ્ટેમ્બર 2023માં રૂ. 5,98,850 કરોડ થઈ ગઈ છે.
ગ્રોસ એનપીએ જૂન 2023માં રૂ. 34,582 કરોડથી ત્રિમાસિક ધોરણે 8.28% ઘટીને સપ્ટેમ્બર 2023માં રૂ. 31,719 કરોડ થઈ હતી. પ્રોવિઝનલ કવરેજ રેશિયો (પીસીઆર) જૂન 2023માં 89.52% સામે સપ્ટેમ્બર 2023માં 89.58% હતો. મૂડી પર્યાપ્તતાના મોરચે, 30-09-2023ના રોજ બેંકનો કુલ મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (સીઆરએઆર) જૂન 2023માં 15.60% સામે 15.63% હતો.
બેંકે એન્ડ ટુ એન્ડ ડિજિટલ પ્રોડક્ટ્સ વિકસાવી છે, જેમ કે ડિપોઝિટ બાજુ પર બેંક ખાતાઓ અને લોન સેગમેન્ટમાં મુદ્રા/કેસીસી/પર્સનલ લોન/પેન્શનર લોન. ગ્રાહકો હવે સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકે છે અને બ્રાન્ચની રૂબરૂ મુલાકાત લીધા વિના લોન મેળવી શકે છે. આગામી મહિનાઓમાં (આ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા અને ચોથા ત્રિમાસિક ગાળા), બેંક 15થી વધુ વધારાની ડિજિટલ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. બેંકનું લક્ષ્ય આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં ડિજિટલ પ્રોડક્ટ્સ દ્વારા ઓછામાં ઓછા રૂ. 10,000 કરોડના બિઝનેસ વોલ્યુમને હાંસલ કરવાનું છે. 30મી સપ્ટેમ્બર 2023 સુધીમાં, બેંકની સ્થાનિક શાખાઓની સંખ્યા 5135 છે.