ઓટોરીક્ષા-ટેક્સીના ચાલકો માટે વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
ચાલકોએ તમામ વિગતો ચાલક સીટની પાછળ સ્પષ્ટ દેખાય તે રીતે લખવાની રહેશે
વડોદરા, વડોદરા શહેરમાં ઓટો રીક્ષા/કેબ/ટેક્સીના ચાલકો માટે શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નં-૨) ની કલમ-૧૪૪ અન્વયે હુકમ જાહેર કરવામાં આવ્યો છે. હુકમ અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનરેટની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષા/કેબ/ટેક્સીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી જોઈને વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ, ડ્રાઇવરનું નામ, મોબાઈલ નંબર, તેમજ વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમના નંબર, હેલ્પ લાઈન નંબર ફરજિયાત પણે ઓઇલ પેઈન્ટ કે કાયમી રહી શકે અને ભૂસાઈ નહીં તે પ્રકારની સ્યાહી વડે લખવાના રહેશે.
મુસાફરી કરતા નાગરિકો સાથે ખિસ્સા કાતરવા તેમજ સામાનમાંથી કિંમતી વસ્તુઓની ચોરી, છેતરપીંડી, મોબાઇલ ચોરી, ચીલઝડપ, લૂંટ, ધાડ, તેમ મહિલા/બાળકીઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો ન બને અને આવા ગુનાઓ વણ શોધાયેલા ન રહે તે માટે વડોદરા પોલીસ કમિશનરશ્રી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટના હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટોરીક્ષા/કેબ/ટેક્સીના સંચાલન કરતા ઓટોરીક્ષા/કેબ/ટેકસીના ચાલકે/માલિકે પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે ઉક્ત વિગતો અંગ્રેજી ભાષામાં ફરજીયાત પણે ૧૨ ઈંચ X ૧૦ ઇંચની સાઇઝના બોર્ડમાં દર્શાવવાની રહેશે.
ઓટો રીક્ષા/કેબ/ટેક્સીના માલિકોએ તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં વાહન ચાલકની પાછળની સીટ પર બોર્ડ લગાડવાની કાર્યવાહી વાહનના માલિક/ચાલકે ફરજિયાત પણે પૂર્ણ કરી દેવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૦૧/૧૨/૨૦૨૩ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ સુધીનો રહેશે. જાહેનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.