આખા દેશમાં પહેલા દિવસે આ ફિલ્મની માત્ર 293 ટિકિટ જ વેચાઈ
45 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને અધૂરી જ રિલીઝ કરી દેવામાં આવી-ઉતાવળમાં પ્રમોશન વગર જ રિલીઝ થઇ “ધ લેડી કિલર”
હાલમાં જ અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની એક ફિલ્મ રિલીઝ થઈ છે. ૪૫ કરોડના બજેટથી બનેલી આ ફિલ્મનું નામ ધ લેડી કિલર છે. પરંતુ તમે આ ફિલ્મનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે.. કારણ કે ન તો આ ફિલ્મનું કોઈ પ્રમોશન થયું છે અને ન તો આ ફિલ્મને ઘણી સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. એટલું જ નહીં, એવી પણ ચર્ચા છે કે મેકર્સે આ ફિલ્મને સંપૂર્ણપણે શૂટ કર્યા વિના જ સિનેમાઘરોમાં રિલીઝ કરી છે. હવે સવાલ એ થાય છે કે આવું કેમ થયું?
અજય બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૨માં શરૂ થયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ઓવરબજેટ હતી. આવી સ્થિતિમાં તેમને ફરીથી શૂટ માટે રોકી દેવામાં આવ્યું હતું પરંતુ પછી નિર્માતા શૈલેષ આર સિંહે તેનું ફરીથી શૂટ રદ કર્યું હતું. તેનું શૂટિંગ ઑક્ટોબર સુધી અધૂરું હતું અને અંતિમ શેડ્યૂલ નવેમ્બરમાં શૂટ થવાનું હતું પરંતુ નિર્માતાઓએ આ ફિલ્મને અધૂરી જ રિલીઝ કરી દીધી હતી.
નિર્માતાઓએ ૨૯ ઓક્ટોબરના રોજ તેનું ટ્રેલર રિલીઝ કર્યું અને ૩ નવેમ્બરે આ ફિલ્મ દેશભરના પસંદગીના થિયેટરોમાં અધૂરી રિલીઝ થઈ. તે પણ કોઈ પ્રમોશન વિના. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મને થિયેટરોમાં ઉતાવળમાં રિલીઝ કરવામાં આવી હતી કારણ કે ફિલ્મના ડિજિટલ અધિકારો પહેલેથી જ વેચાઈ ચૂક્યા હતા. આવી સ્થિતિમાં તેની રિલીઝ નિર્માતાઓ માટે જરૂરી હતી અને તેની અંતિમ તારીખ ડિસેમ્બરના અંત સુધી હતી.
ફિલ્મ નવેમ્બરની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થવી જરૂરી હતી જેથી ૪ થી ૬ અઠવાડિયા સુધી થિયેટરોમાં ચાલ્યા પછી તેને OTT પર રિલીઝ કરી શકાય. નિર્માતાઓ માટે તેનું ડિજિટલ રિલીઝ મહત્ત્વનું હોવાથી તેઓએ તેમને થિયેટરોમાં રજૂ કરીને ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. પરિણામ એ આવ્યું કે ફિલ્મ ‘ધ લેડી કિલર’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ છે.
આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી બોક્સ ઓફિસ આપત્તિ બની ગઈ. તેની હાલત એટલી ખરાબ હતી કે આખા દેશમાં પહેલા દિવસે ફિલ્મની માત્ર ૨૯૩ ટિકિટ જ વેચાઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પહેલા દિવસે દેશભરમાં ફિલ્મના માત્ર ૧૨ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.