ઝઘડિયા GSRTC ડેપોના અણઘડ વહીવટથી તાલુકાના અંતરિયાળ ગામોની પ્રજાને હાલાકી
દિવાળી જેવા તહેવારોમાં ગામડાની બસ બંધ કરી તથા નવી ફાળવેલ બસને ઝઘડિયા સુરત નડિયાદ દોડાવી રહ્યા છે
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા એસટી ડેપોના વહીવટ સામે તાલુકાના ગ્રામજનોમાં પહેલેથી જ અસંતોષ છે,ઝઘડિયા એસટી ડેપોમાં જે કંઈક બસ વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે તે તાલુકાના ગામડાઓની પ્રજાને તાલુકા મથકે અથવા જીલ્લા મથકે સરળતા થી પહોંચી શકાય તે માટે ફાળવવામાં આવતી હોય છે,ઉપરાંત તાલુકા મથકેથી વડોદરા અમદાવાદ અંબાજી ભાવનગર માટે બસો ફાળવાથી હોય છે,
પરંતુ હાલના ઝઘડિયા ડેપોના અધિકારીઓ પોતાની મન મરજી મુજબ ગામડાઓના કેટલા રૂટો બંધ કરી અથવા રૂટ ઓછા કરી પોતાની મનમાની કરી તેમનો સારો દેખાવો થાય અને ડેપો વધુ આવક કરે તેવા આશય સાથે ગામડાઓની પ્રજાને એસટી સુવિધાથી વંચિત રાખી રહ્યા છે,ઝઘડિયા તાલુકાના ગામડાના કેટલાક રૂટો વર્ષોથી ફાળવાયેલા છે,
છતાં પણ ચલાવાતા નહી હતા પરંતુ ધારાસભ્યની સૂચનાથી હાલ તો તે રૂટો પૈકી કેટલાક ચાલુ છે,પરંતુ કેટલાય રૂટ પર ટ્રિપ ઓછી કરી નામ પુરતા સિંગલ રૂટ ચલાવી રહ્યા છે,હાલમાં ઝઘડિયાથી ધારોલી જતી બસ જેનો લાભ વંઠેવાડ ધોળાકુવા રાજપુરા વાસણા ભગત ફરિયા ધારોલી જેવા કેટલાય ગામના લોકોને મળે છે,તે રૂટ અચાનક જ દિવાળીના તહેવાર ટાંણે બંધ કરી દેવામાં આવ્યો છે, ઉપરાંત આડા દિવસે પણ રવિવારે ધારોલી રૂટ બંધ રાખવામાં આવે છે,
જેના કારણે ભારે હાલાકીનો સામનો તાલુકાના અંદરના ગામડાઓની પ્રજા ભોગવી રહી છે, હાલમાં જ ઝઘડિયા ડેપોની એક નવી બસ ફાળવવામાં આવી છે તે બસ સ્થાનિક ગામડાઓમાં ચલાવવાના બદલે ઝઘડિયાથી સુરત, સુરત થી નડિયાદ લંબાવાયો છે જે સ્થાનિકોને કોઈ ઉપયોગમાં આવતો નથી,આવા અણઘડ વહીવટના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,
ઉપરાંત કેટલા એવા રૂટ છે જે ઝઘડિયાથી ઉપડે છે પરંતુ આખો દિવસ બારોબાર બસોના રૂટ દોડાવાઈ રહ્યા છે,જેનો ઝઘડિયા ની જનતાને કોઈ લાભ મળતો નથી. એસટીના કર્મચારીઓમાં એવો ગણ ગણાત સાંભળવા મળી રહ્યો છે કે ઝઘડિયા એસટી ડેપોના મુખ્ય સંચાલકે ૨૪ કલાક ઝઘડિયા એસટી ડેપોમાં રહેવું જાેઈએ અને તેના માટે તેમને વિભાગ દ્વારા ક્વાર્ટર પણ ફાળવવામાં આવ્યું છે,
પરંતુ તેઓ રાત્રિ દરમ્યાન ડેપોમાં રહેતા નથી જેના કારણે તેમના નીચલા અધિકારીઓ તેમની મન મરજી મુજબ રૂટ ચલાવી રહ્યા છે! ત્યારે જીલ્લા કંટ્રોલર પણ ઝઘડિયા ડેપોમાં ચાલતી આવી લાલિયાવાડી પ્રત્યે કડક વલણ અપાવે અને રોજે રોજ ગામડાઓમાં ફાળવેલ રૂટની ઈન્કવાયરી કરે અને રૂટ કેન્સલ કર્યો હોય તો તેના ઠોસ કારણ પૂછે તો જ ઝઘડિયા એસટી ડેપોના આવા મનમોજી અધિકારીઓની શાન ઠેકાણા આવી શકે તેમ છે.