વડોદરામાં પીવાના પાણીની બબાલ, તપાસ માટે પાણીના વધુ નમૂના લેવાયા
પાણીની ગુણવત્તામાં બે-ત્રણ દિવસમાં હજી સુધારો થશેઃ ચેરમેન
વડોદરા, વડોદરા મહી નદીમાંથી કોર્પોરેશન દ્વારા અપાતા પીવાના પાણીમાં પીળાશ અને લીલાશનું પ્રમાણ જણાતા પાણી દૂષિત અને પીવાલાયક ન હોવાના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મુદ્દો ઉઠાવ્યા બાદ કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર તથા પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ આજે રાયકા અને દોડકાની મુલાકાત લઈને પાણીમાં કેમિકલ હોવાની વાતનું ખંડન કરતા તેઓએ કહ્યું હતું કે, પાણીમાં કોઈ જ કેમિકલ નથી.
આગામી બે ત્રણ દિવસમાં પાણીની ગુણવત્તા હજી વધુ સુધરી જશે. પાણીના મામલે વડોદરાવાસીઓમાં વિશ્વાસ સંપાદન કરવા માટે મેયર તથા ચેરમેને નદીનું પાણી પીધુ પણ હતું.
વડોદરાના મેયર પીન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, પ્રદુષણ બોર્ડ દ્વારા પાણીમાં પાંચથી પંદર હેઝલ સ્કોરનું પ્રમાણ માન્ય ઠેરવ્યું છે, જયારે આ પાણીમાં આ પ્રમાણ દસ છે એટલે કે નુકસાનકારક નથી, પાણીની ગુણવત્તામાં સુધારો જણાયો છે. પાણીમાં લીલાશ અને પીળાશની સમસ્યાનું ૭૦ થી ૮૦ ટકા સોલ્યુશન લાવવામાં આવ્યું છે અને બે ત્રણ દિવસમાં આ સમસ્યા પણ દૂર થઈ જશે.
વણાકબોરીથી જરૂર પડે તો ૭પ૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે એટલે પાણી કાપની પણ કોઈ ફરિયાદ નહી રહે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે, મહી નદીમાં લીલ અને વનસ્પતિના કારણે પાણીનો રંગ બદલાયો છે, જે ગ્રીન પીગમેન્ટેશન સ્વરૂપે દેખાય છે, પરંતુ પાણીમાં કેમિકલ નથી અને પીવા માટે જાેખમી પણ નથી.
ફ્રેન્ચ કૂવાના સુપરફિશિયલ વાલ્વ બંધ કરવામાં આવ્યા છે જેના વિકલ્પે જે ૧ર ટયુબવેલ છે તેમાંથી સાત હાલ ચાલુ છે અને બીજા પાંચ ચાલુ કરી દેવામાં આવશે. વણાકબોરીથી રોજ રપ૦ કયુસેક પાણી વીજ મથકનું છોડવામાં આવી રહ્યું છે એ ઉપરાંત ડેમમાંથી બીજુ ૧૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ૪૮ કલાકમાં જ પાણીની કવોલિટીમાં ૭૦ થી ૮૦ ટકાનો ફરક પડ્યો છે અને બે ત્રણ દિવસમાં સમસ્યા દૂર થઈ જશે.