‘જનજાતીય ગૌરવ દિવસ’થી ડાંગમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો કરાયો પ્રારંભ
વઘઈ ખાતે વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથને લીલી ઝંડી આપી
(ડાંગ માહિતી)ઃ આહવાઃ તારીખ ૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી દેશ આખામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. ગુજરાતમાં અંબાજીથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે વઘઈથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો શુભારંભ કરાવ્યો હતો.
બહુલ આદિવાસી વસતી ધરાવતા ડાંગ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથના સથવારે, વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપશે. સાથે જન જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે. જેથી દરેક ગ્રામ્ય વિસ્તારમાં રથનું સ્વાગત કરવા, તથા સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી.
વિજયભાઈ પટેલે ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે આદિવાસી સમાજના લડવૈયા, ક્રાંતિકારી યોદ્ધાઓ, સમાજ અને દેશ માટે બલિદાન આપનાર આદિવાસી વીરોના ગૌરવવંતા ઇતિહાસને વર્ણવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે, આદિવાસી વિસ્તારમાં આજથી વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ર્નિમળાબેન ગાઇને તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મોટાભાગની દરેક યોજનાઓનો લાભ ડાંગ જિલ્લાના લાભાર્થીઓને આપવામાં આવ્યો છે, તેમ વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિતે જણાવ્યું હતું.
સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા હોય તેવા લોકો સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા માટે સરકારશ્રી દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરવામાં આવી છે, કે જેથી દરેક લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ, અન્ય લોકોને પણ તેનો લાભ અપાવે તેમ પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.
વઘઈ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના શુભારંભ પ્રંસગે વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ પણ સૌએ નિહાળ્યો હતો.
સક્સેસ સ્ટોરીના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાના પ્રતિભાવો રજૂ કરી, સરકારી યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. ચિકાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વછતા ગીત રજૂ કર્યું હતું. તેમજ ભવાઈ નાટક (તમાશા) કાર્યક્રમ દ્વારા લોકોમાં જન જાગૃતિ કેળવવામાં આવી હતી. દરમિયાન ખેડૂતોના ખેતરમાં દવાના છંટકાવ માટે ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડાંગ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ સરકારી વિભાગ દ્વારા યોજનાકીય માહિતીના પ્રદર્શન સ્ટોલનું પણ નિદર્શન રજૂ કરવામાં આવ્યુ હતું.
વઘઈ ખાતેથી પ્રારંભ કરાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો રથ ક્રમાંક-૨ ડાંગ જિલ્લાના વિવિધ ગામડાઓમાં તેના નિયત રૂટ મુજબ જશે. સાથે ‘યાત્રા’ સાથે જે તે ગામોમાં વિશેષ ‘ગ્રામસભા’, તબીબી નિદાન અને સારવાર કેમ્પ, પશુ આરોગ્ય મેળા, શૈક્ષણિક સ્પર્ધાઓ, ક્વિઝ કોમ્પિટિશન, ગામના ગૌરવનું સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામા આવશે.
આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ અને જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, વઘઈ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરી, તેમજ વઘઈ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ, આંગણવાડી બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.