અમૂલ ડેરી દ્વારા શ્વેતક્રાન્તિ બાદ હવે મધુર ક્રાન્તિની દિશામાં પગરણ
મધના પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે અને સભાસદોની આવક બમણી કરવાના હેતુથી ૭પ ટકા સબસીડી મંજૂર કરાઈ
આણંદ, શ્વેતક્રાંતિ બાદ હવે અમૂલ ડેરી દ્વારા મધુરક્રાંતિની દિશામાં પગરણ માંડયા છે. જેમાં ગુજરાત સરકારના મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત અમૂલ ડેરીને બાગાયત વિભાગ દ્વારા મધના પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે અને ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી ૭પ ટકા સબસીડી મંજુર કરવામાં આવી છે,
એમ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે અમૂલ ડેરીના ૭૭મા સ્થાપના દીવસ અને સરદાર પટેલ જયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત સમારોહમાં જણાવ્યું હતું. આ પ્રસંગે અમૂલ ન્યુટ્રિબી હની, અમૂલ રીફ્રેશો અને આઈવીએફ લેબનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ૭૭ વર્ષ અગાઉ ધંધાદારીઓના શોષણ સામે લડવા માર્ગ ચીંધ્યો હતો અને અમૂલની સ્થાપના થકી ગ્રામ્યકક્ષાના પશુપાલકોને સોનેરી માર્ગ ચીંધ્યો હતો. આજે સહકારિતાના માર્ગ ઉપર ચાલીને અમૂલની સિદ્ધિઓમાં ઉત્તરોત્તર વધારો કરેલ છે. જેથી મધુરક્રાંતિની દિશામાં પ્રયાસો કરતાં અમૂલ ડેરી દ્વારા આણંદ, કપડવંજ, ખંભાત, મહેમદાવાદ અને આંકલાવ તાલુકાના એફપીઓની સ્થાપના કરવામાં આવી છે
જેથી સભાસદોને સસ્તા ભાવે ઘાસચારો આપવામાં આવે છે. તેમજ મધમાખીઓના ઉછેરથી પરાગનયનની પ્રક્રિયા વધુ ઝડપી કરીને ખેત ઉત્પાદન બમણું કરી શકાય છે. આ પ્રસંગે એનડીડીબી દ્વારા મધુર ક્રાંતિ સખી મંડળને રૂ.૭૦૦૦૦નો ચેક મધમાખીના ઉછેર પ્રવૃતિને ેગ આપવામાં આવ્યો હતો. જેના થકી મહિલા દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી વધારાની આવક પણ મેળવી શકે.
કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે અમૂલ આજે ગ્રામ્યજનોનું સ્મિત છે, જે આગલી ત્રણ ત્રણ પેઢીના શ્રમ અને બલિદાન થકી શકય બન્યું છે બે વર્ષ બાદ સરદાર પટેલની ૧પ૦ જન્મજયંતિની ઉજવણી કરીશું ત્યારે અમુલ, એનડીડીબી અને જીસીએમએમએફ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવું જાેઈએ અને અમૂલની ગાથા વિશ્વ પટલ પર જણાવવા આહવાન કર્યું હતું,
આણંદના સાંસદ મિતેષ પટેલે જણાવ્યું કે, અમૂલ ડેરી એ ગ્રામ્યકક્ષાએ આર્થિક સ્વાવલંબનનું એક માધ્યમ છે એનડીડીબીના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું કે અમુલના મોડલ પર આજે ભારતના રર રાજયમાં ર૪૦ થી રપ૦ જેટલા દૂધ સંઘો કામ કરી રહ્યા છે અને આશરે રૂ.ર૦૦૦ કરોડ પ્રતિદિન દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેકટર અમિત વ્યાસે સર્વેનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર જયેન મહેતા, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર, વાઈસ ચેરમેન રાજેશ પાઠક, અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્યો, એનડીડીબી, અમૂલ ફેડરેશનના, દૂધ મંડળીઓના ચેરમેન, કમિટી સભ્યો, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.