વિક્રમ સંવત ૨૦૮૦ના નૂતનવર્ષે નવતર અભિગમ, મુખ્યમંત્રીએ વૃદ્ધ-વડીલોને સ્નેહપૂર્વક ભોજન પીરસ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનોખી વડીલ વાત્સલ્ય વંદના-14 જેટલા વિવિધ વૃદ્ધાશ્રમોમાં મુખ્યમંત્રી તરફથી નૂતન વર્ષે બપોરનું/સાંજનું ભોજન આપવામાં આવ્યું
અને સાથે બેસી વાત્સલ્ય ભાવે ભોજન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે, અને જન – જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે વિક્રમ સંવત ૨૦૮૦ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં નવતર અભિગમ અપનાવ્યો હતો.
નૂતન વર્ષે મુખ્યમંત્રીશ્રીએ વાત્સલ્ય વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામ વડીલોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા અને તેમણે સ્નેહભાવે ભોજન પીરસી તમામ વડીલો સાથે બેસીને ભોજન લીધું હતું.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર વૃદ્ધ- વડીલો પણ ઉમંગ પૂર્વક ઉજવી શકે અને તેમના સંતાનો સહિત સૌને તેમના આશિર્વાદ પ્રાપ્ત થાય તેવા આશયથી આ સ્નેહ- ભોજન કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેનો અનેરો આનંદ છે તેમ તેમણે ઉમેર્યું.
ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ વડીલોના આશીર્વાદ લીધા હતા અને ઉપસ્થિત તમામ પોલીસ કર્મીઓ, રેડ ક્રોસ સોસાયટીના ડોક્ટરો તેમજ મીડિયા કર્મીઓને પણ નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજય પટેલ, રેડ ક્રોસ સોસાયટી મેનેજિંગ કમિટીના સભ્ય ડો. અજય પટેલ, કોર્પોરેટર શ્રી પ્રિતેશ મહેતા તેમજ વાત્સલ્ય વૃદ્ધાશ્રમ ના તમામ સિનિયર સિટીઝન તેમજ અનેક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત ભાવથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તરફથી વિવિધ ૧૪ જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું/સાંજનું ભોજન પણ આપવામાં આવશે.