આસામની પરિસ્થિતિ વણસતાં જાપાનના વડા પ્રધાન કદાચ ભારત નહીં આવે
ટોકિયો/નવી દિલ્હી, આસામમાં હિંંસા વધી જતાં અને ટ્રેનો બાળવાનો પ્રયાસ થતાં જાપાનના વડા પ્રધાન શીંજો આબે ભારતની મુલાકાત રદ કરે એવી શક્યતા હોવાનું જાપાની મિડિયાએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે રચેલા નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં છેલ્લા બે ત્રણ દિવસથી આસામ, ત્રિપુરા અને અન્યત્ર હિંસક વિરોધી દેખાવો થઇ રહ્યા છે. આસામમાં તો પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક બની ગઇ હતી. ટ્રેનો બાળવા સુધી તોફાનીઓ પહોંચી ગયા હતા અને ઇન્ટરનેટ સહિતની કેટલીક જીવન જરૂરી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
જાપાનના વડા પ્રધાનનો મૂળ કાર્યક્રમ એવો હતો કે એ રવિવારે 15મી ડિસેંબરે આસામની રાજધાની ગુવાહાટીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટ કરવાના હતા.
પરંતુ આસામના મોટા ભાગના વિસ્તારોમાં હવે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ તથા મોબાઇલ ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે. વિવિધ સ્થળે લશ્કરી દળો તહેનાત કરાયા છે. 22 ડિસેંબર સુધી સ્કૂલ-કૉલેજો બંધ કરી દેવામાં આવ્યાં છે. હજારો લોકો સડક પર આવી ગયા હતા અને કર્ફ્યૂનો ભંગ કરીને પોલીસ તેમજ સિક્યોરિટી દળો સાથે બાખડી રહ્યા હતા. આ સંજોગોમાં જાપાનના વડા પ્રધાન પોતાની રવિવારની ભારતની મુલાકાત હાલ રદ કરી દે એવી શક્યતા નકારી કઢાતી નથી. આજે બપોરે 12 વાગે થયેલી સત્તાવાર જાહેરાત અનુસાર શિન્ઝો આબે ભારત આવશે નહીં.